હટાણું | નવલિકા : ભાગ – ૧

zrukho

પણ ખરેખર તો એનું જવાનું મન જ ક્યાં હતું ? પણ આ તો કાલે સવારમાં જ બ્રાહ્મણો જમવા આવવાના હતાં ને ઘીનો ડબ્બો સાંજની વેળા તોડ્યો ત્યારે ખબર પડી કે,ઘીમાં ગંધ આવતી હતી ! અને એટલે આ રાતે ગાડું જોડીને હટાણે જવાનો વખત આવ્યો.એણે મનમાંને મનમાં વેપારીને બે ચાર ગાળો ભાંડી દીધી.”ક્યાં ક્યાંથી ટપકી પડે છે આવા હુડકઢાઓ!”

બ્રાહ્મણો તો કદાચ દેખું અનદેખું કરીને આરોગી લે પણ એના પછી નાત જમવાની હતી.ને જો એમાં કાચું રહી જાય તો ગામ આખામાં ચોમાસામાં ઉડતા વાણિયાની જેમ વાતો ઉડે ! એની આખી પેઢી કંજુસના પેટની છે ને,કોઇને સરખો કોળિયો એના ઘરેથી મળતો નથી ને….એવું તો ઘણુ બધું.ગામને મોઢે થોડા ગળણા બંધાય ?

“ક્યાં ન્યા ચીલો ચાતરીને હાલે છે….ઢાંઢડ ! આમણો મર ને….”અંધારી રાત અને ઉજ્જડ વગડામાં એને આવવું પડ્યું એની ખીજ હવે બળદો પર ઉતરી હતી.જુનુ એવું ગાડું ઠઠડ…ભમ કરતું જેમતેમ ખેંચાતું હતું.તેલના ઉંજણ વીનાની બળેલો કડેડાટ બોલાવતી હતી.

ગામ વટીને હવે વગડો આવ્યો હતો.જેરામ દરબારની ઉંચી મેડીના ગોખે ટીંગાયેલ ફાનસ પણ હવે તો દેખાતું બંધ થઇ ગયેલું.પસા પટેલની વાડી પણ વટાવી લીધી.દુરથી એણે રેંટની ડોલોમાં ભરેલ પાણીનો થાળામાં ઠલવાવાનો અવાજ પણ સાંભળેલો.ખેતરમાં દિવો લઇને પસા પટેલનો છોકરો પાણી વાળતો હતો એ પણ એણે જોયેલું.પસા પટેલ રેંટ માથે બેઠા હશે એ અનુમાન તો એને આવી જયેલું.”આ માળાને રાત આખી પણ જપ લેવો નથી.કોણ જાણે કેમ ભેગું બાંધી જાવુ હશે !…”એમ બબડતો એ નીકળી ગયો.

પસા પટેલની વાડી પછી ગામની સીમ પુરી થઇ અને વેરાન વગડો ચાલું થયો.બે ચીલામાં ગાડું જતું હતું.વગડો ખરેખર વેરાન હતો,એટલો વેરાન કે શિયાળવાની લારી પણ ન સંભળાય !એને ખબર હતી કે,રાતે એકલા આ રસ્તે જવું બરાબર નથી.ગામમાંથી જતી જાનોમાં પણ બબ્બે ચાર ચાર વળાવીયા ભેગાં જ હોય છે-હથિયાર બંધ ! વાતો ચાલે છે કે,રાતે અહિં કાંઇક બને છે.અલબત્ત,કાયમ નહિ પણ ક્યારેક બને છે.જેરામ દરબારનો પાસવાન એક દિ’ મોડો મોડો આ રસ્તેથી ગામમાં આવતો હતો અને આ રસ્તે એને એવું કાંઇક દેખાયેલું કે એણે ગામ સુધી મુઠ્ઠીઓ વાળી હતી.અને ડેલીએ આવીને ફસકાઇ પડેલો.બસ,આંગળીઓથી કાંઇક ઇશારા કરતો.બે દિવસ ખાટલામાં રહ્યો અને થોડી થોડી વારે રાડો નાખતો.ત્રીજે દિ’ બિચારો ભેમાં ને ભે માં મરી ગયો.

આ વાતની યાદ આવી એટલે એના મનમાં થોડો ડર પેઠો.માળું ખરેખર અહિં કાંઇ બને છે ? અને એણે બળદોને ગાળો ભાંડવાનું બંધ કર્યું.બળદોની પીઠ પર લાકડીને બદલે હવે હાથ ફેરવીને ધીમે અવાજે ડચકારો કર્યો.બળદો દોડવા લાગ્યા.ગાડાંની ભળભળાટીનો અવાજ એને ખુંચવા લાગ્યો.જેમ બને તેમ ઝટ નીકળી જવાય તો સારું એવો વિચાર એને આવ્યો.હજી સામેના ગામના દિવા તો નહોતા દેખાતા.

ગાડું ખરબચડે ચીલે એકસરખે વેગે જવા લાગ્યું.હવે એ રસ્તામાં આવતો ઘેઘુર વડલો સામે દેખાવા લાગ્યો.એનો જોરાવર ઓછાયો જોઇને ઘડીભર તો એનું હદય પણ થડકી ગયું.અહિં જ ક્યારેક અઘટિત બીનાઓ બને છે ને !લોકો આને આ માટે ગોઝારો વડ કહે છે.એને ઘડીભર તો થયું કે પાછો વળી જાઉં ! પણ વળી કાલનો જમણવાર યાદ આવ્યો.ગયા વીના છૂટકો નહોતો.હવે એ ગંજાવર વડ ઝીણી ચાંદનીમાં પણ સ્પષ્ટ દેખાય એટલો નજીક આવી ગયો.ફરી એકવાર એના મનમાં ભય પેઢો પણ મન મક્કમ કરી એણે વિચાર્યું – આ ઘડી આને તો ટપી જાશું.એમાં શી વાર ?

“જય જાપાવાળા ! ” હનુમાનનું નામ લઇ એણે બળદોને ડચકાર્યા.બળદો દોડવા લાગ્યા.ગાડાનો ખખડાટ વધ્યો અને ધીમે ધીમે વડલો નજીક આવવા લાગ્યો.( અપૂર્ણ ).

ક્રમશ : અનુસંધાન આગળના ભાગમાં.

લેખક: કૌશલ બારડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here