પિતા થયા યુધ્ધમાં શહીદ.પોતે રહ્યા આઠ-આઠ વર્ષ સુધી મુંગાં! જાણો નરસિંહ મહેતાના જીવનની અણજાણી વાતો.

zrukho

પદ્મશ્રી ભીખુદાન ગઢવી લોકડાયરાઓમાં એક સરસ વાત કરે છે કે,તમે કોઇને એમ પૂછો કે મેવાડ કોનું?તો જવાબ મળશે-મીરાંબાઇનું!નહીઁતર મીરાંબાઇએ ક્યાં મેવાડ ઉપર રાજ કર્યું હતું!ધુરંધર શાસકો થઇ ગયાં છતાં મેવાડ તો મીરાંબાઇનું જ હોય!બિલકુલ એમ જ તમે પૂછો કે જુનાગઢ કોનું?તો જવાબ મળશે-નરસિંહ મહેતાનું!નહીઁતર જુનાગઢ પર પણ ગ્રહરિપુ,નવઘણ,માંડલિક,બેગડો,બાબી નવાબો જેવા ગુજરાતમાં સિક્કો પાડી દેતાં રાજાઓ બેસી ગયાં છતાં જુનાગઢ તો નાગર મહેતાનું જ હોય!આ ભક્તિની તાકાત છે!જેણે તારણહારને પામી લીધો એ દુનિયાનો રાજા જ ગણાય એ વાતનું આનાથી મોટું ઉદાહરણ બીજું શું હોય શકે!અહીં આપણે વાત કરવી છે-જુનાગઢના રાજાની,અર્થાત નરસિંહ મહેતાની!

પિતા વંથલીના યુધ્ધમાં કામ આવી ગયાં હતાં – મુળે તો નરસિંહ મહેતાના પૂર્વજો વડનાગરા બ્રાહ્મણો હતાં.એ પછી તળાજા,ભાવનગરમાં આવીને વસ્યા.અહીંના રાજવી સાથે સારા સબંધો.જાગીરદાર બન્યાં અને અટક પંડ્યામાંથી મહેતા થઇ.નરસિંહ જ્યારે પાંચ વર્ષના હતાં ત્યારે પિતા કૃષ્ણ દામોદર વંથલી પાસે થયેલા સંગ્રામમાં કામ આવ્યાં,તેઓ લશ્કરમાં સિપાઇ હતાં.માતા દયાકોર પણ ગુજરી ગયાં.માત્ર પાંચ વર્ષની ઉંમરે માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર નરસિંહ ભાઇ-ભાભીના આશરે રહેવા લાગ્યા.નવ વર્ષની ઉંમરે માણેકબાઇ સાથે લગ્ન થયાં.

ભાભીના મહેણાંએ બદલી નાખી જીંદગી – આશરે ઇ.સ.૧૪૧૪માં વૈશાખી પૂર્ણિમાએ જન્મેલાં નરસિંહ વિશે કહેવાય છે કે,તેઓ આઠેક વર્ષે તો બોલતા શીખેલા!ભાઇ બંસીધરની પત્ની ઝવેરબાઇએ એકવાર મહેણું માર્યું કે,મફતના રોટલાં કાતરો છો તે તમારા ભગવાનને કહો તમારું હોજરું ભરે! હાડોહાડ ઉતરી ગયું હો!હવે તો ભગવાન જ ભરશે એમ કરીને નીકળી ગયાં ઘરેથી.જંગલમાં આવેલા એક જર્જરીત શિવમંદિરમાં આઠ દિવસ શિવસાધના કરી.હવે તો તું જ તારણહાર,હરિવર ઝાલજે મારો હાથ!કહેવાય છે કે,સંવત ૧૪૮૭ના ચૈત્ર સુદ ચૌદસને દિવસે શિવજીએ હાથ ઝાલ્યો નરસિંહનો અને આ નાગરાને સોંપ્યો નંદકુંવરને!શ્રીકૃષ્ણની રાસલીલાઓના સાક્ષાત્ દર્શન થયાં.કાવ્યપ્રસાદી મળી.હવે મહેતો ગુજરાતી ત્યાં સુધી જ છે જ્યાં સુધી મહેતાના કાવ્યો છે એ હદની લોકપ્રિયતા મેળવી લેનાર ભક્તિગીતો રચવાનો હતો!જો કે,એને પ્રભુભક્તિ સિવાય બીજી હવે પડી નહોતી.એના ગીતો કૃષ્ણ માટે જ તો હતાં!

નાદ પાડે ને નરસૈંયો હાજર – એ પછી નરસિંહ મહેતાએ ગોકુળ,મથુરા,દ્વારિકાની યાત્રા કરી.પછી સહકુટુંબ જુનાગઢ રહેવા લાગ્યા.નિત્ય પ્રભુભક્તિ જ એક કામ હતું!વૈષ્ણવ જન,નાગદમન જેવા અનેક ભક્તિગીતો રચ્યા.હુંડી,હાર,મામેરું,શામળશાનો વિવાહ,રાસસહસ્ત્રપદી,ચાતુરી,રાસલીલા,આધ્યાત્મિક કાવ્યો જેવા એમ લગભગ ૧૫૦૦ જેટલાં પદની રચના કરી!ઝુંલણા છંદ અને કેદાર રાગ – એ નરસિંહ માટે જ રચાયા હોય એવું લાગે છે!નિત્ય દામોદરકુંડમાં ન્હાવા જતાં. કહેવાય છે કે નરસિંહ મહેતાના બાપનું શ્રાધ્ધ,કુંવરબાઇનું મામેરું,શામળશાનો વિવાહ,હારની ચોરીનો આળ જેવા અનેક પ્રસંગોએ ભગવાને ખુદ આવીને તેમની મદદ કરેલી.સાદ કરે ને શામળિયાને આવવું પડતું!

દિકરા શામળશાનો વિવાહ વડનગરના દિવાન મદન મહેતાની છોકરી સુરસેના સાથે કરેલાં ત્યારે શામળશાની જાનમાં તેત્રીસ હજાર દેવી-દેવતા આવેલાં!દિકરી કુંવરબાઇના લગ્ન ઉનાના શ્રીરંગ મહેતાના પુત્ર સાથે કરેલાં.કુંવરબાઇના મામેરાં વખતે મહેતાએ મલ્હાર ગાઇને મેઘ વરસાવેલો હોવાની માન્યતા છે!આ કુંવરબાઇની પુત્રી શર્મિષ્ઠા અને શર્મિષ્ઠાની પુત્રીઓ તાના-રીરી,જેણે મલ્હાર ગાઇ તાનસેનની અગન બુઝાવેલી!આજે પણ આ બે શ્રેષ્ઠ બાળાઓની ખાંભીઓ વડનગરમાં છે. મહેતા હરીજન લોકોની વચ્ચે જઇ ભજનો ગાતાં.આથી તેમણે નાગરોનો રોષ વહોરી લીધેલો.પણ મહેતાને ક્યાં કોઇ ભેદ હતો!નાગરોની ખીજનો એણે બેફિકરાઇથી જવાબ વાળ્યો – “સઘળા લોકમાં હું એક ભૂંડો અને ભૂંડાથી પણ ભૂંડો રે…!!”

જાવ,તમારાથી થાય એ કરી લો!જો આ લોકોના સહસંગથી હું ખરાબ થઇ જતો હોવ તો હું ભૂંડાથી પણ ભૂંડો છે, આ જગતમાં મારાથી ભૂંડું બીજું કોઇ નથી!તેમની આ ક્રાંતિ હતી!ગાંધીજીએ માટે જ તેમના વૈષ્ણવ જન ભજનને જીવનકવન ગણ્યું હતું.નરસિંહ એટલે જગતમાત્રને એકતાંતણે ગૂંથવાની તાકાત ધરાવતો માણસ- સમીપે સંતાપ છે સઘળાં, હવે મજા દૂર રહેવામાં – કહેવાય છે કે,એ વખતે જૂનાગઢમાં રાજા રા’માંડલિકનું રાજ હતું.મહાનતા ગુણ ધરાવતાં માંડલિકની મતી કેમ ફરી એ તો કોણ જાણે પણ એણે સતી ચારણઆઇ નાગબાઇની પુત્રવધુ સામે ખોટી નજર નાખેલી અને નાગબાઇએ શ્રાપ આપ્યો હતો.એ પ્રમાણે પછી મહંમદ બેગડાએ જૂનાગઢ જીત્યું અને માંડલિકને ધરાર મુસલમાન બનાવી દેવાયેલો. અમદાવાદના પાદરમાં ચૂડાચંદ્રનો વંશજ એ ગિરનાર…!! ઓ રે મારો ગિરનાર!! કરતો રખડ્યો હતો.

આ માંડલિકે નરસિંહ મહેતાને પણ કાન ભંભેરણીથી જેલ આપી હતી.પાછળથી ભગવાને બતાવેલા ચમત્કારથી એણે નરસિંહને આઝાદ કરી એના ચરણ પખાળ્યાં પણ પછી નરસિંહનું જૂનાગઢ પરથી મન ઉઠી ગયેલું.ભારે મને તેઓ ગિરી તળેટી ને કૂંડ દામોદર છોડી માંગરોળ આવ્યાં અને લગભગ ૧૪૮૧માં અવસાન પામ્યાં. માંડલિકના આ ઉધ્ધતાઇભર્યાં વર્તન બદલ એમ કહેવાયું છે – રા’ ન ફરે સે,રાનો દિ’ ફરે સે…!! એને વહેલો લઇ લે જે દિનાનાથ – પત્ની માણેક મહેતી ગુજરી ગયાં ત્યારે મહેતાએ લખેલું – ભલું થયું ને ભાંગી જંજાળ, સુખેથી ભજશું શ્રીગોપળ!

મહેતાએ બુધ્ધ જેવી અવિચળતા હાંસલ કરેલી!કહેવાય છે કે,નરસિંહ મહેતાને દિવા પાછળ અંધારાં જેવું હતું.તેનો પુત્ર શામળ સાચા રસ્તે ચાલી શકે એવો નહોતો એવી માન્યતા છે.અને દંતકથા એમ કહે છે કે,એકવાર ભગવાન પાસે નરસિંહે માંગી લીધેલું કે, આગળ જતાં મારા પુત્ર વિશે એમ કહેવાય કે,નરસિંહ જેવો પ્રખર વૈરાગી એની પાછળ તો આ ફરજંદને જ મૂકતો ગયો ને!એના કરતાં એને માપમાં આયુષ્ય આપજે, ભગવાન! ગુજરાતી ભાષાને ખરેખર ભાષાનું ગૌરવ અપાવનાર નરસિંહ મહેતા જ હતાં!એ પહેલાં ઘણા જૈનમુનિઓએ આ ભાષામાં સાહિત્યરચના કરી હશે પણ ગુજરાતી ભાષા તો આદિકવિના પદો પછી જ કહેવાઇ!

લેખક : કૌશલ બારડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here