ઉનાળાની વેફરની ઋતુમાં પૂરા વર્ષ માટે ફટાફટ બનાવીલો નાના, મોટા, અબાલ, વૃદ્ધ સૌને ભાવે તેવી લિજ્જતદાર અને સ્વાદિષ્ટ સાબુદાણા-બટેટાની વેફર.
આવશ્યક સામગ્રી….. (૧) ૧ કિગ્રા સાબુદાણ (૨) ૧ કિગ્રા બટેટા (૩) ૨૦ ગ્રામ સફેદ મરી (૪) ૨૦ ગ્રામ જીરૂ (૫) ૧૦ તીખાં મરચા (૬) ૫૦ ગ્રામ આદુ (૭) નમક (સ્વાદ અનુસાર)
બનાવવાની રીત….. રાતના સાબુદાણાંને પાણીમાં ધોઈને સ્વચ્છ પાણીમાં મોટા પાત્રમાં પલાળી રાખવા.પલાળેલાં સાબુદાણાં ડૂબે એટલું પાણી ઉમેરીને જાડા તળિયાં વાળા એલ્યુમીનિયમના મોટા તપેલામાં રાખીને ગેસ પર ધીમી આંચે ઉકાળવા.તેમાં મરીનો બારીક ભૂકો,જીરૂ ટાચેલું,આદુ-મરચાને મિક્સ્ચરમા ફેરવી તૈયાર કરેલ બારીક માવો તથા નમક આવશ્યકતા મુજબ ઉમેરીને ચમચા વડે હલાવી સરખું ભેળવવું.થોડી થોડી વારે ચમચા વડે હલાવ્યા કરવું જેથી તળીયે બેસી ના જાય.
સારી રીતે બાફેલાં બટેટાને ફોલીને છૂંદો કરી લેવા.તેમાં ગરમ પાણી ઉમેરીને એકરસ કરી લેવા.આ માવાને પણ તૈયાર કરેલા સબૂદાણા વાળા રગડામાં ઉમેરીને આવશ્યક પાણી ઉમેરી એકરસ કરવું.ત્યારબાદ ધીમી આંચ પર ખદખદવા દેવું અને સાથે ચમચા વડે હલાવતા રહેવું.
આ તૈયાર સાબુદાણા-બટેટાના રગડાને ચમચા વડે પાડી શકાય તેવું ઘટ્ટ રાખવું.વધુ ઢીલું ના થાય તેની તકેદારી રાખવી.જ્યારે એકરસ માવો ખડખડી જાય ત્યારે તેને ગરમ હોય ત્યારે જ તડકો આવે તેમ પ્લાસ્ટિક પથરી તેના પર નાના ચમચા વડે ગોળાકાર મુકતું જવુ,આ માટે ચમચા વડે પ્લાસ્ટિક પર મૂકીને તેના પર વચ્ચોવચ ચમચા વડે હળવેથી દબાવવું જેથી આકાર જળવાય રહે અને બહુ જાડી પણ ના થાય.
તૈયાર સાબુદાણા-બટેટાની (પત્તરી) વેફર જાડી હોવાથી બે દિવસ સુકાતા લાગશે,પણ સાંજે અંદર લઈ લેવી.બીજા દિવશે સુકવવા માટે પ્લાસ્ટિકમાથી ઉખેડીને ઊલટાવીને સુકવવી જેથી સારી રીતે સૂકાઈ શકે.બે દિવસ સુકવ્યા બાદ ત્રીજા દિવસે હવા ના જાય તેવા પાત્રમાં ભરી લેવી.આવશ્યકતા મુજબ તેલમાં ધીમી આંચે તળીને લિજ્જતદાર સ્વાદિષ્ટ વેફરનો લુફ્ત ઉઠાવવો.
આ વેફરને ફરાળ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.જો સ્વાદમાં ભાવે તો જીરાની સાથે આખી ધણીને પણ હળવી ટાચીને ઉમેરી શકાય છે.આ વેફરમાં બટેટાનો ઉપયોગ થયો હોવાથી તળાતા એકદમ કરકરી અને નરમ થાય છે અને સ્વાદ પણ લિજ્જતદાર હોવાથી સુરુચિકર પણ સાબિત થાય છે. મિત્રો તમને અમારો આ આર્ટીકલ ગમ્યો હોય તો અમર પેજ ઝરૂખો ને લાઇક કરવાનું ભૂલતા નહિ અને તમારા મિત્રો માં આ આર્ટીકલ share જરૂર થી કરજો