માતૃત્વ…..

zrukho

વહેલી સવાર નો સમય હતો. દૂધવાળા અને  છાપાવાળા સિવાય બસ મોર્નિંગ વોક કરવા નીકળેલા લોકો જ બહાર દેખાતા હતા. બાકી સોસાયટી ના બધા જ ઘર માં રહેતા લોકો મીઠી નીંદર ની મજા માણતા હતા. સિવાય કે 25 નંબર નો બંગલો એ બંગલા ની લાઈટો ચાલુ હતી બેઠકરૂમમાં ઘરના બધા જ સભ્યો વીલા મોઢે એકબીજાના મોઢા જોઈ શું બોલવું એ વિચાર કરી રહ્યા હતા.

વાત જાણે એમ હતી કે ઘરની એકની એક પરણિત પુત્રી ચાંદની  સાસરેથી અચાનક ઘરે આવી ગઈ હતી. કેમ કેમ કે એને લાગતુ હતુ કે લગ્નના સાત સાત વર્ષ પછી પણ મા ના બની શકવાને કારણે એના પતિ સાસુ-સસરા એને માન નહોતા આપતા. ઘરમાં એ પછી ફર્નિચરની જેમ હતી એવું એને લાગતું હતું. હકીકતમાં એ લોકો પણ એટલો જ પ્રેમ કરતા જેટલો એના મમ્મી પપ્પા અને ભાઈ ભાભી. પણ મા ના બની શકવાને કારણે એ થોડીક ચીડિયા સ્વભાવની બની ગઈ હતી. વાત વાતમાં ગુસ્સો કરવો એના માટે સામાન્ય વાત હતી.

આજે પણ એ જ ગુસ્સાને કારણે ઘર છોડીને અહીં આવી હતી. મમ્મી પપ્પા, ભાઈ ભાભીએને સમજાવાની કોશિશ કરી રહ્યા હતા. “મોટી બેન આજે નહીં તો કાલે ભગવાન તમારી સામે જોશે જ,  આમેય તમારી ઉંમર જ શું છે? હજી તો ઘણો સમય છે. સારા દિવસો થોડી હિંમત રાખો. ” – મૃણાલ ભાભીએ કહ્યું ને બધોજ ગુસ્સો ભાભી પર ઉતરવાનો શરૂ થયો

“તમને શું  ખબર વાંઝણી કોખ નું દુઃખ શુ હોય છે? તમારે તો ભગવાનની દીધેલી “મીઠડી” છે. ને મારે તો ભગવાને આશા પણ નથી બંધાવી કે મારા ઘરે કોઈ મીઠડી કે મીઠડો આવશે પણ ખરો કે કેમ? તમને તો ભગવાને માગ્યુ  ને આપી દીધું એટલે તમને ક્યાંથી સમજાશે. મારી પીડા શું છે અને મને કેટલી કોરી ખાય છે” નણંદ  ચાંદની એ એકીશ્વાસે બોલેલું લાંબુંલચક વાક્ય ભાભી એ પુરુ સાંભળ્યું ના સાંભળ્યું એ તો બસ તમને શું ખબર  વાંઝણી કોખ નું દુઃખ શુ હોય છે ?સાંભળીને પોતાના દર્દનાક ભૂતકાળ માં સરી પડી.

લગ્ન પછીનો દોઢ વર્ષ થયું હશે અને એક દિવસ ચક્કર આવ્યા અને પડી ગઈ. ધમાચકડી થઈ ગઈ. ફેમિલી ડોક્ટર બોલાવવામાં આવ્યા. મનના તો બધા ખુશ હતા. બધાને હતું કે આ  સારા સમાચાર હશે. પણ નિયતિ કંઇક જુદી જ હતી. બ્લડ પ્રેશર લો થવાને કારણે ભાભી ને ચક્કર આવ્યા હતા.

આ ઘટના પછી બધા આ વાતને ભૂલી પણ ગયા હતા. પરંતુ મૃણાલ આ વાતને જરાય નથી ભૂલી શકી. મૃણાલ અને મયંક બંને ગાયનેકોલોજિસ્ટ પાસે ગયા ત્યાં બધા જરૂરી રિપોર્ટ કરાવ્યા બાદ ખબર પડી કે મૃણાલ જોડે ભગવાને બહુ જ મોટી મજાક કરી છે. રિપોર્ટ્સમાં બતાવ્યું કે મૃણાલ  ક્યારે મા બની શકે તેમ નથી. રિપોર્ટ જોતા જ મયંક અવાચક બની ગયો. અને મૃણાલ તો જમીન પર જ ફસડાઈ પડી. જેમ તેમ કરીને મયંકે મૃણાલ ને સંભાળી. અને ઘરે કોઈને પણ આ વાત ન કરવા માટે પણ સૂચના આપી.

આ ઘટના બાદ મૃણાલ એકદમ ઉદાસ રહેવા લાગી હતી. કોઈના પણ ઘરે નાનુ બાળક જોઈને વિચારથી રહેતી. એ ભગવાનને મનોમન પ્રાર્થના કરતી કે ભગવાન એને પણ એક બાળક આપે. ઘર મંદિરમાં રહેલા બાળ કૃષ્ણની પૂજા, સેવા એકલા પ્રેમથી કરતી જાણે પૂર્વજન્મમાં એ  જ જશોદા હતી. આ બધું જોઈને મયંક એક નિર્ણય પર આવે છે. અને એક બાળક દત્તક લેવા માટે મૃણાલ ને સમજાવે છે. પહેલા તો આ વાત સાસુ-સસરા સહિત બધા જ લોકો થી આ વાત છુપાવવાની હોવાથી મૃણાલ અચકાય છે. પણ પછી માતા બનવાની લાલચ એને આ વાત માટે મનાવી જ લે છે.

પછી તો મયંકે ટ્રાન્સફર લીધું. બીજા શહેરમાં ગયા. ત્યાં જઈને એક વર્ષ પછી અનાથાશ્રમમાંથી  નવજાત છોકરી ને દત્તક લીધી. પછી ઘરે આવ્યા. એ નવજાત છોકરી બીજું કોઈ નહિ પરંતુમૃણાલ ની મીઠડી. આ સમયને યાદ કરતીમૃણાલ  અચાનક જ એક ચીસ સાંભળીને વર્તમાનમાંપાછી આવી જાય છે. ચીસ  બીજા કોઈની નહિ પણ એના  નણંદની હોય છે. ઘરના બધાને લાગે છે વધુ પડતા ગુસ્સાના લીધે અને જોરજોરથી બોલવાને લીધે કદાચ ચીસ પાડીને  પડી ગયા હશે. તાબડતોડ ડોક્ટર ને બોલાવામાં આવે છે. અને આ વખતે ડોક્ટર ના શબ્દો બધાની આંખોમાં હર્ષાશ્રુ લાવી દે છે. કેમ કે એમના ઘરની  પુત્રી હવે પુર્ણ સ્ત્રી બનવાની હોય છે માતૃત્વ પ્રાપ્ત કરવાની હોય છે.

ધરતી દવે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here