માનતા….. (એક સત્ય ઘટના…..)

zrukho

એક સારું પુસ્તક આપણા મિત્ર સમાન છે. પરંતુ આજ ની આ ફાસ્ટ લાઇફ માં લોકોને પુસ્તક ઉઘાડીને વાંચવા બેસવા નો સમય નથી મળતો. પણ એજ સારું વાંચન તમને તમારી હથેળી માં ફોન દ્વારા વાંચવા મળી રહેતું હોય તો લોકો એને જ પ્રાથમિકતા આપે છે. Face book ની દુનિયામાં અન્ય માહિતી ની સાથે મહેશભાઈ પટેલ દ્વારા ચાલતું ” અમૂલ્ય ગુજરાતી વાર્તા” નું પેજ વાર્તા વાંચન ના શોખ ના કારણે મહેશભાઈ દ્વારા નવા લેખક ને પ્રોત્સાહિત કરવા માટે ના કાર્ય એ જ મને આ લખવાની પ્રેરણા પૂરી પાડી છે.

લખવાની શરૂઆત તો કરી પણ મારી નજર સામે અત્યારે એ દ્રશ્યો  દેખાય છે જે અમે લોકો એ અનુભવ્યા છે. થોડા વરસો પહેલાં ની આ વાત છે જ્યારે ટેલીવિઝન કે ટેલીફોન કોઈ અમુક લોકો ના ઘેર જ હતા. ટૂંકમાં અત્યાર ની પેઢી જે દિવસ રાત હાથમાં મોબાઇલ ફોન લઈને બેસી રહે છે તે દિવસો ન હતાં. અમે અમારું બચપણ દરિયા કિનારે રમીને પસાર કર્યું છે. સાંજ ના સમયે અમે બધા ઘરના સભ્યો અને મિત્રો દરિયા કિનારે આવ્યા હતા. કહેવાય છે ને કે જિંદગી ના બધા દિવસો  એક સરખા ક્યારેય નથી જતાં. તે સાંજે અચાનક નાનો ભાઈ સાઇકલ પર થી રેતી મા પડી ગયો અને તેના જ શરીર નું વજન હાથ પર આવી જતા જમણા હાથમાં ફ્રેકચર આવ્યું. તે સમયે કોઈ ડોક્ટર ગામ માં હાજર ન હોવાથી પ્રાઇવેટ કાર ભાડે કરી ને તાત્કાલીક ભુજ લઈ ગયા. જ્યાં તેના હાથ નું હાડકું તૂટી જવાથી દોઢ માસ નો પાટો આવ્યો.

કસોટી તો પછી શરૂ થઈ કારણકે જે હાથ માં પાટો આવ્યો એ જમણો હાથ. જનરલી બધાં કામ જમણા હાથ થી થતાં હોય એટલે સ્વાભાવિક છે કે ફ્રેક્ચર ના કારણે દરેક પળે મુશ્કેલી તો રહેવા ની જ હતી. સમય જતાં દોઢ માસ પછી પ્લાસ્ટર ખૂલ્યું ત્યારે ખબર પડી કે હાડકું જોઈન્ટ તો થઈ ગયું પણ દોઢુ ચડી ને જોઈન્ટ થયું જેના કારણે હાથ કોણી માંથી વળેલો જ રહેતો સીધો ના થઈ શકે. વિચારી જુઓ કે રમવા કૂદવાની ઊમર માં આવો પ્રશ્ન ઉભો થાય ત્યારે એની માતા પર કેવી અસર થાય તે તો એક માતા જ સંતાન નું દુ:ખ અનુભવી શકે.

ભગવાન પર ની અતૂટ શ્રધ્ધા અને વિશ્ર્વાસ  સાથે જે કોઈ ઉપાય મળે તે કરતાં રહ્યાં. ડોક્ટર બદલતા રહ્યાં. ત્યારે એક સગાં વ્હાલાં એ ભૂજ ની બાજુ માં આવેલ કેરા બળદિયા ગામે રહેતા તુલસીદાસ ભાઈ ખત્રી નુ નામ સૂચવ્યું તો તેમની પાસે લઈ ગયા ભાઈને. તેમની સારવાર ની સાથે સાથે માંડવી તાલુકાના ડોણ ગામે આવેલ ” માં આયુ માતા” ના મંદિરે ભાઈને સારું થઈ જાય તો પગપાળા ચાલી દર્શન કરવા ની માનતા લેવાઈ.

સમય જતા તુલસીદાસ ભાઈ ની સારવાર અને માતાજી પ્રત્યે ની શ્રધ્ધા અને ભક્તિ એ રંગ રાખ્યો અને ભાઈ નો હાથ પહેલાં ની જેમ સાજો અને સારો થઈ ગયો. સમય જતાં માનતા પૂરી કરવા માટે ડોણ ગામ જે માંડવી થી ૧૮ કિ.મી ના અંતરે આવેલું છે ત્યા પગપાળા ચાલી ને જવાનું નક્કી કરેલ તે દિવસ પણ આવી ગયો. આગલી રાત્રે નક્કી થયું માનતા પૂરી કરવા પગપાળા જવાનું તો પડોશમાં રહેતા ૭૦ વર્ષના માજી કે જે દર વર્ષે નવરાત્રી દરમ્યાન માતાના મઢ આશાપુરા મંદિર પગપાળા જતા તેમણે સાથે આવવાનું નક્કી કર્યું. તો બીજી બાજુ અમારા જ ઘરમાં એક પટેલ દંપતિ ભાડેથી રહેવા આવ્યા હતા અને એમનું બાળક હજુ છ માસ નુ માંડ હતું એમણે જીદ પકડી કે સાથે પગપાળા ચાલી માતાજી ના દર્શન કરવા માટે આવવું છે.

રજાના આગલા દિવસે સુકો નાસ્તો બનાવી લીધો જેથી પગપાળા જતા રસ્તામાં જે માનતા પૂરી કરવા આવ્યા હતા તેમને આપી શકાય. રવિવાર નો દીવસ અમે ત્રણ ભાઈ બહેન, મમ્મી, બાજુમાં રહેતા સિતેર વર્ષ ના માજી અને મકાન માં રહેવા આવેલા છ માસ ના હાર્દિક ને લઈને આવેલ લીલાવંતી બેન સાથે વહેલી પરોઢે પગપાળા “આયુ માતાના” દર્શન માટે પ્રસ્થાન કર્યું. દસ કિમી તો બધા એ સરસ હસતાં રમતાં પસાર કરી દીધા પણ ખરી કસોટી તો હવે શરૂ થઈ. એક તો ગામડાં ના રસ્તા ને બીજું વરસાદ મા ધોવાય ગયેલ રોડ. એ  તો જેણે ચાલવાનો અનુભવ કર્યો હશે તેને જ ખબર હશે કે શું હાલત હોય રસ્તા ની અને ચાલનાર વ્યક્તિ ની.

એ બધી વાતો ની વચ્ચે ચાલતા ચાલતા સાથે આવેલા લીલાવતી બેન કે જે પોતાના  ૬ માસ ના દિકરા ને સાથે લઈને પગપાળા ચાલતાં હતાં તેમના ચપ્પલ તૂટી ગયા. એક તો ગામડાં નો રસ્તો. વહેલી પરોઢ નો સમય અને ઉપર થી રસ્તા ખરાબ. હવે થયું એવુ કે એ બેન નો પગ મોટો એટલે એમને બીજા કોઈ ના ચપ્પલ કામ ન આવે. એટલે મોટા ભાઈ એ પોતાના ચપ્પલ ઉતારી ને આપ્યા. ચપ્પલ વિના ભાઈ ચાલે તો પણ દુઃખ અને બીજી બાજુ કોઈપણ જાતના સ્વાર્થ વિના ૬ માસ ના બાળક લઈ ને આવેલા બેન ખુલ્લા પગે ચાલે તો પણ દુઃખ. એક મા ન તો પોતાના પુત્રને દુઃખી જોઈ શકે ન તો પેલા બેન ને. ત્યારે મા ની આંખમાં આંસુ આવી ગયા કે આ તે કેવી કસોટી…

આઠ કિ.મી નુ અંતર કાપવાનુ બાકી હતું. ચપ્પલ વિના કેમ ચાલવું? પણ કહેવાય છે ને કે અગર ઇશ્વર પર ની શ્રદ્ધા સાચી હોય તો કોઈ પણ માંગેલી મૂરાદ પૂરી થાય. લોકો ઈશ્વર પાસે અલગ અલગ મનોકામના સાથે જતા હોય છે. જ્યારે અહીં તો આઠ કિ.મી નો ખરાબ રસ્તો પગપાળા ચાલી ને માનતા પૂરી કરવા માટે એક જોડી ચપ્પલ ની માંગણી હતી. ચમત્કાર તો જુઓ નજીક માં હનુમાનજી મારાજ નુ મંદિર હતું ત્યાં એક મોટા માપ ના ચપ્પલ પડ્યા હતા. બઘાએ મંદિર માં દર્શન કર્યા. આજુબાજુ દૂર સુધી કોઇ દેખાતું નહોતું. ત્યા રાડ પાડી બે થી ત્રણ વાર પૂછ્યું., છે કોઇ હાજર? આ ચપ્પલ કોના છે? પણ કોઈ જવાબ ન મળતાં સાબિત થયું કે આ ચપ્પલ આપણા માટે જ છે. એટલે માતાજી નો મનોમન આભાર માની હનુમાન જી ની રજા લઈને એ ચપ્પલ એ શરતે પહેર્યા કે  પાછાં ફરતા  ચપ્પલ ત્યાં જ મૂકતાં જશુ.

source

માંગો એ આપે તે “માં”. ઈશ્વર પર ની શ્રદ્ધા સાચી હોય તો પુરાવા ની જરૂર નથી, કુરાન માં પણ ક્યાંય પયગંબર ની સહી નથી. અહીં તો સાક્ષાત ચમત્કાર થયો. ધન દોલત પુત્ર ઐશ્વર્ય નહીં પણ એકજોડ ચપ્પલ ની માંગણી હતી એ પણ મળી. એક દુઃખી મા એ જગતજનની માં જગદંબા ને હ્રદય પૂર્વક પ્રણામ કરીને ફરીથી બઘા ખુશી ખુશી ચાલતા ચાલતા ડોણ ગામ માં પહોચ્યા. “મા આયુ” ના   દર્શન કર્યા. માનતા પૂરી કરી  મન ની પ્રસન્નતા સાથે વળતાં પાછા જ્યાં થી ચપ્પલ ઉપાડયા હતા તે જગ્યાએ ફરીથી ચપ્પલ મૂકી હનુમાનજી ને પગે લાગી પરત ઘરે ફર્યા.

આજ ની તારીખે પણ લોકો જે ના હાથ પગ કે શરીરમાં લકવો થઈ ગયો હોય કે અન્ય તકલીફ હોય તો લોકો “આયુ મા” ની માનતા માને છે અને લાકડાના હાથ પગ કે આખુ લાકડા નુ શરીર મા ને અર્પણ કરી માનતા પૂરી કરી સ્વસ્થ જીવન ની કામના કરે છે. તો અમુક લોકો ના કુળદેવી પણ છે. લોકો દૂર દૂર થી “મા” ના દર્શને આવે છે.

આ મારા જીવનમાં બનેલી સત્ય ઘટના ને લગભગ બત્રીસ વર્ષ જેવો સમય પસાર થઈ ગયો છે. પણ અત્યારે આ લખતી વખતે પણ મારી નજર સમક્ષ એ બધી બનેલી ઘટના એક ફિલ્મ ના ટ્રેલર મુજબ સામે દેખાય છે. વારંવાર જીવનમાં “મા” ના દર્શન નો લ્હાવો મળે અને આશીર્વાદ મને મળ્યા છે એવી કૃપા ભગવાન પર શ્રદ્ધા રાખનાર દરેક ને મળે એવી પ્રાર્થના સાથે હું મારા શબ્દો ને વિરામ આપું છું.

અર્ચના ભટ્ટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here