શ્રી લક્ષ્મીજી નો સ્વયંવર…. શા માટે લક્ષ્મીજી એ વિષ્ણુ ભગવાન સાથે લગ્ન કર્યા….?

zrukho

લક્ષ્મીમાતાને હિન્દૂ ધર્મના પ્રમુખદેવી ગણવામાં આવે છે. લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના પત્ની તેમજ ધન, સંપદા, સ્વચ્છતા અને સમૃદ્ધિના દેવી મનાય છે. ભગવતી લક્ષ્મી કમળવનમાં નિવાસ કરે છે. કમળ પર બેસે છે અને હાથમાં પણ કમળ ધારણ કરે છે. ઘણા ઓછા લોકોને તેમના સ્વયંવર વિશેની જાણ હશે તો એ તમને અહીં જણાવું. દેવી લક્ષ્મીજીના પ્રકટ થવાની અને તેમના સ્વયંવરની કથા આ પ્રકારે છે….

મહર્ષિ દુર્વાસા પોતાના ક્રોધને લીધે ખુબ પ્રચલિત હતા. તેમના ગુસ્સાને લીધે ઘણા લોકોની દશા બગડી છે. એવું પુરાણોમાં લખેલ છે. તેથી તેઓ જ્યાં પણ જાય ત્યાં લોકો તેમને ભગવાન સમકક્ષ આદર આપતા હતા. મહર્ષિ દુર્વાસાએ દેવલોકના રાજા ઇન્દ્રને તેમની કોઈ ભૂલના લીધે શ્રાપ આપ્યો હતો કે તેમની બધી સુખ-સંપત્તિ અને તેમનું શાસન ટૂંક સમયમાં જ નષ્ટ થઇ જશે. શ્રાપના પ્રભાવને લીધે પૃથ્વી પર અસુરોનો ત્રાસ વધી ગયો અને દેવલોક પણ અસુરોએ હડપ કરી લીધું. દેવલોક પર પણ અસુરોનું શાસન થઇ ગયું.

સમગ્ર અસુરોથી ત્રસ્ત થઇ બધા દેવો આમતેમ ભટકવા લાગ્યા. કોઈ જ માર્ગ ન દેખાતા તેઓ ભગવાન બ્રહ્મા પાસે પહોંચ્યા. બ્રહ્માજીએ બધા દેવોને ભેગા થઇ ભગવાન વિષ્ણુ પાસે જવાની સલાહ આપી. બ્રહ્માજી સહીત બધા દેવો, તારણહાર એવા ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. ભગવાને દેવો અને દાનવોને ભેગા મળી ક્ષીરસાગરનું મંથન કરવા કહ્યું. ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીના આશીર્વાદ લઇ દેવગણોએ દૈત્યો સાથે સંધિ કરી સમુદ્રમંથન આરંભીયું. મંદરાચલ પર્વતની મથની અને વાસુકી નાગની લાંબી રસ્સી બની. ભગવાન વિષ્ણુએ સ્વયં કાચબાનો અવતાર લઇ મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર ધારણ કર્યો.

ક્ષીરસાગરનું મંથન થતા તેમાંથી ઘણું નીકળ્યું. જેવું કે કાલકૂટ વિષ જે ભગવાન શંકરે પોતાના કંઠમાં ધારણ કર્યું, કલ્પવૃક્ષ, કામધેનુ ગાય, શંખ, ચંદ્રમા, અપ્સરાઓ, ઐરાવત હાથી વગેરે મળ્યા. જે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધરી જે દેવોની આપવાનું હતું તે દેવોને આપ્યું અને દૈત્યોને તેમનો નાશ થાય તેવી જ વસ્તુઓ આપી. ત્યારબાદ, સમુદ્રમંથનમાંથી લક્ષ્મીજી નીકળ્યા જે પૂર્ણ ખીલેલા સ્વેત કમળના આસાન પર બિરાજમાન હતા. લક્ષ્મીજીને પ્રગટ થતા જોઈ દેવો અને મહર્ષિઓ પ્રસન્ન થઇ ગયા. દેવો ખુશ થયા. દેવી લક્ષ્મીજીને જોઈ દાનવોનું પણ મન લલચાયું. બંને બાજુ લક્ષ્મીજીને પામવાની તડાપડી થઇ. પરંતુ લક્ષ્મીજીએ તો ના પડી દીધી કે કોઈના કહેવાથી કે કોઈની જબરજસ્તીથી એમની પાસે નઈ જાઉં. હું તો મારી મરજીથી પુરુષ પસંદ કરીશ.

લક્ષ્મીજીનો સ્વયંવર યોજાવાની તૈયારીઓ શરુ થઇ ગઈ. સ્વયંવરની સભામાં એક બાજુ બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ સહીત બધા દેવો બેઠા જયારે બીજી બાજુ બધા દાનવો બેઠા. લક્ષ્મીજીની સંગ તેમની સહેલીઓ અને દાસીઓ બેઠી. લક્ષ્મીજીને જે પસંદ હોઈ તેવા પુરુષની માહિતી પોતાની સહેલીઓ અને દાસી પાસેથી ગ્રહણ કરવા લાગ્યા. જોતા જોતામાં લક્ષ્મીજીને એક દેવ માથું ઝુકાવીને બેઠા હતા તેના પર ધ્યાન પડ્યું. લક્ષ્મીજી વિચારમાં પડ્યા કે બધાની નજર મુજ પર છે પણ આ દેવ તો મને નિહાળી જ નથી રહ્યા. તેથી લક્ષ્મીજીને તે દેવ વિષે જાણવાની ઉત્સુકતા જાગી. સહેલીઓને એ દેવ વિષે પૂછતાં કહ્યું કે આ દેવ કોણ છે? સહેલીઓએ જવાબ આપ્યો કે એ ચાર ભુજાધારી જગતપિતા ભગવાન વિષ્ણુ છે. જેમની એક ભુજામાં સુદર્શન ચક્ર, એકમાં કમળ, એકમાં શંખ અને એક ભુજામાં ગદા શોભે છે.

લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુનું આ સ્વરૂપ મોહી ગયું. દેવી લક્ષ્મીજીએ સહેલીઓને ટીખણી કરતા કહ્યું કે, વિષ્ણુજીના હાથમાં શંખ છે ને તે મારી જેમ સમુદ્રમાંથી નીકળ્યો છે એટલે શંખ મારો ભાઈ થયો અને હું શંખની બહેન. મારો ભાઈ જ્યાં વસે તે ખુબ નજીકનું અને જાણીતું વ્યક્તિ કહેવાય. લગ્ન તો  હંમેશા ઓળખીતામાં જ કરવા જોઈએ. બસ એટલું કહી લક્ષ્મીજી તો પોતાની જગ્યા પરથી ફૂલોની વરમાળા લઇ ઉભા થયા અને ભગવાન વિષ્ણુને વરમાળા પહેરાવી તેમને પતિ રૂપે સ્વીકાર કર્યા. ૐ કમલવાસિન્યૈ નમઃ

હાર્દિક સવાણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here