ઈશ્વરનો દરબાર….. (ઉત્તરાર્ધ)

zarukho

ઇશ્વરનો મધુરવ સાંભળી હરિભાઈ તો ધાન્ય ધન્ય થઈ ગયા.તેઓ પ્રભુ સમક્ષ જોઈ બોલ્યા ‘‘પ્રભુ બહુ રાહ જોઈ મે તમારી..’’ કહેતા તો સાવ ગદગદ થઈ ગયા. પ્રભુ એકદમ નિર્લેપભાવે બોલ્યા: ‘‘કહો, આપ જે કહેવા ઈચ્છો તે કહી શકો છો?’’ ઈશ્વરનો નિર્મલભાવ નિહાળી હરિભાઈમાં થોડી શક્તિનો સંચાર થયો.તેઓ વર્ષોથી જે પીડા ભોગવતા હતા તે આજ કહી જ દેવી એમ વિચારીને તેઓ બોલ્યા પ્રભુ ‘‘આ જે તમે ફાની દુનિયા બનાવી છે તે બહુ જ વ્યર્થ છે મારા નાથ.’’

આ શું બોલે છે આ વૃદ્ધ માણસ,તેને ભાન નથી કે તે દેવલોકમાં છે,પ્રભુના દરબારમાં છે અહી ભાગ્યવાન હોય તેજ પ્રવેશ માત્ર પામે છે અને આ દેવ ને જ તેમની બનાવેલી દુનિયા સારી નથી એમ કહી રહ્યા છે.તેવો ગણગણાટ દેવલોકના દરબારીજનો કરવા લાગ્યા.પ્રભુએ સૌને શાંત થવા સંકેત આપ્યા અને સભામાં નીરવ શાંતિ ફેલાઇ.જ્યાં કદાચ વસ્ત્રમાં પવન સ્પર્શે તો પણ આવાજ થાય તેવી.

હરિભાઈ બોલ્યા: ‘‘પ્રભુ,જે દુનિયામાંથી હું આવું છુ ત્યાં કઈ જ રહ્યું નથી જીવવા જેવુ.અરે ત્યાં રહી એક એક શ્વાસ મે ગણી ગણીને કાઢયા છે,તમારી બનાવેલી દુનિયાની આ હાલત મારાથી નથી જોવાતી,તમે જ કોઈ ઉકેલ લાવો’’ ત્રણેય કાળના જ્ઞાની,જીવ માત્રને સમજી જતા ઈશ્વર અત્યારે એકદમ અજાણ બની બોલ્યા: ‘‘આપ શું કહો છો વત્સ,જરા સ્પષ્ટ કહો” પ્રભુની આ માયાને સૌ કોઈ નિહાળી અચરજ પામી રહ્યા.હવે સૌનું ધ્યાન પૃથ્વી પરથી સીધા જ દેવલોકમાં આવનાર હરિભાઈ પર મંડાયું.

હરિભાઈ બોલ્યા: ‘‘પ્રભુ તમે જે દુનિયાનું સુંદર સર્જન કર્યું હતું તેમાંનું હવે કઈ જ શેષ રહ્યું નથી.અહી ધર્મના નામે ગોરખ ધંધા ચાલે છે,સંતના સ્વરૂપે પાખંડીઓ કામલીલા આચારે છે,ગુરુના નામે શિક્ષણનો વ્યાપાર થાય છે જેટલું એક માણસના આખા જીવનને ચલાવી શકે એટલું એક બાળકના શિક્ષણ પાછળ વેડફાય છે,ઔષધિને નામે વિષ અપાય છે,વાતેવાતે પ્રપંચ રમાય છે અહી સંબંધો ફક્ત લાભ ઉઠાવવાના સાધન સમા જ બની રહ્યા છે.ભાઈ ભાઈનું,પુત્ર માતાનું,પતિ પત્નીનું ખૂન કરી નાખે છે.પિતા-ભાઈ દ્વારા સગી બહેન-દીકરી લૂંટાય છે,માતા-પુત્ર જેવા પવિત્ર દિયર ભોજાઇના સંબંધો કામ વાસનામાં હોમાય છે,ભાઈ બહેન પરણી જાય છે,પ્રેમાંધ દીકરી પ્રેમી સાથે મળીને ઘર પરિવારને મારે છે.ગાય સાથે કામાંધ નસાખોર દુષ્કર્મ આચરે છે,સાસુ વહુને તો ક્યાક વહુ સાસુને ત્રાંસ આપી જીવન નરક બનાવે છે,દીકરો માવતરને તરછોડીને તો જમાઈ દીકરીને દુખી કરીને જીવતા મોત આપે છે.દેરાણી-જેઠાણી,સાસુ-વહુ,નણંદ-ભોજાઈ,ભાઈ-ભાઈ,પતિ-પત્ની,વગેરેના જગડાઓમાં અનેક કુટુંબો પાયમાલ થાય છે,વારસા અને જાયદાદ માટે એકબીજાના લોહી તરસ્યા સંતાનો થાય છે. અહી વિશ્વવિજેતા પણ તેના સ્વજનોથી માત પામે છે એવો છે સંબંધોનો ચક્રવ્યૂહ.’’કહેતા કહેતા હરિભાઈ હાંફી ગયા.

દેવકન્યાએ આવી તેમને સ્વર્ણ પાત્ર દ્વાર મધુર જલપાન કરાવ્યું.તેઓ એક તૃપ્તિનો ઓડકાર લઈ ફરી બોલ્યા: ‘‘પ્રભુ આટલાથી અટકી નથી જતું.સંબંધો તો ઠીક જીવ પ્રત્યે પણ દુર્વ્યવહાર આચરાય છે,શોખ ખાતર અબોલ જીવને દંડે છે.ક્યારેક ફેશનના નામે,ક્યારેક ઔષધિ તો ક્યારેક રજવાડી શોખ તો ક્યારેક ખોરાક માટે નિર્દોષ જીવની ચામળી,નખ,પીછા વગેરે હેતુ તેમનો જીવ લેવાય છે.વનો કાપી તેઓને બેઘર કરાય છે.ખોટા શોખ,ફેનફતુર અને દેખાદેખીમાં તો આખી દુનિયા ભળકે બળે છે.અને પાછી કહેવાય પણ તો કેવી.. ‘આધુનિક’ દુનિયા.

હરિભાઈની વાત હવે દેવલોકમાં સૌ એકદમ ધ્યાનથી સાંભળી રહ્યા છે,તેઓએ ઉમેર્યું: ‘‘પ્રભુ ભેળસેળની દુનિયામાં અન્ન-પાણી તો ઠીક પણ લાગણી પણ શુદ્ધ નથી મળતી.કોઈ મદદ કરવા હાથ લંબાવે તો આપણાથી અનાયાસે તેના પર શંકા થઈ જાય એવા તો પૂર્વાનુભવ પીડતા હોય છે.દૂધનો દાજેલો માણસ અહી છાસ પણ ફૂંકી ફૂંકીને પીએ છે.અહી કળયુગના આપેલા એંધાણ મુજબ પ્રવાહી પડીકે વહેચાવા લાગ્યું છે.જીવ જીવના લોહીનો તરસ્યો બન્યો છે,જાતિવાદ,કોમવાદ,ધર્મ,પ્રદેશ-પ્રાંતવાદ વગેરેના અસંખ્ય જીવોના મોતના ખેલ ખેલાય છે.અમીરી ગરીબીના હેઠળ રાજનીતિના દાવ રમાય છે,અમીરોના જલસાના ભાર હેઠળ ગરીબ મજબૂર પીસાય છે.ગુનાખોરી તો એટલી વધી છે કે રેતીના રણમાં તલનો દાણો શોધયો મળી જાય પણ ગુણથી પર વ્યક્તિ મળવો મુશ્કેલ.જે સહે છે તે સહ્યા કરે છે અને જેને કઈ જ નથી પડી તે જુલ્મ કર્યા કરે છે એને કોઈનો પણ ભય રહેતો નથી.કહેતા હરિભાઈ તેમની આંખે આવેલા આંસુને લૂછ્યા.

દેવલોકમાં જ્યાં અશ્રુ,રુદન,પ્રસ્વેદ જેવા તત્વોનું અસ્તિત્વ જ નથી ત્યાં હરિભાઈની આંખો માથી દળ દળ આંસુ વહ્યે જાય છે.તેઓ વધુમાં બોલ્યા, ‘મહારાજ જેને સાચું ધન કહેવાય તેવી યુવા પેઢી માવા,તંબાકુ,ડ્રગ્સ,અફીણ જેવા અનેક વ્યસનોમાં ગળાડૂબ રહી ખુદની સાથે દેશ અને દુનિયાને પણ તબાહ છે,ઇન્ટરનેટના જાળમાં એવા તો ફસાયા છે કે તેમનું નિકળી શકવાની કલ્પના પણ નથી થઈ શકતી.તેના કારણે માણસનું મગજ પણ એવુ ગુનાઈત થઈ ગયું કે તેને મન ગુનો આચારવો એતો એક સિદ્ધિ અને પ્રાવીણ્યનું કામ છે.વેર-જેર,નફરત,બાદલાની આગ,હુંપણું વગેરેમાં બીજાના જીવનની હોળી કરી નાખવી એતો પલભરની વાત કહેવાય.હજુ તો કેટલું કહું હું મહારાજ.’’ કહી તેઓ બે નિઃશ્વાસ નાખ્યાં.

‘‘ગુનાખોરી એટલી કે વાત જ ના પૂછો,હું આવકવેરા વિભાગમાં હતો.ત્યાં જેટલી લાંચ લેવાતી જોઈ એટલી બીજે પણ હસે જ એમાં મને જરા પણ શંકા નથી.અરે મે તો ધંધાને વિકસાવવાની હોડમાં શરાબ અને શબાબ પીરસતા અને ભોગવતાં બાબુઓ પણ જોયા છે.ઘરને ચલાવવાના ભારમાં યુવતીઓને શરીર વેચતા જોઈ,તેના કોમલ શરીરને લોંછતાં ગીધડાઓ વિશે વિચારીને મારી આંતરડી કકળી ઊઠતી એનું શું કહું ભગવન..!!?’’ તેઓ બેઘડી મૌન બની ગયા.

પછી બોલ્યા: ‘‘આવું બધુ જોઈને હું સંસારથી એકદમ વિમુખ થઈ ગયો.વિચાર્યું કે હવે હું ઇશ્વરના શરણે જાઉં.તેનો માર્ગ શોધવા હું ઘરે કહ્યા વિના જ એક પ્રખ્યાત સંતના આશ્રમમાં ગયો,તેમની વાતોથી મનને શાતા વળી કે હાશ અહી મને શાંતિ મળશે.પણ ત્યાં રહી સૂક્ષ્મ અવલોકનથી પામ્યો કે આતો મોટું ધતિંગ છે,ધર્માંધ સંસારીઓને લૂંટાવાનો ધંધો છે.તેમણે ધર્મની અને પાપની બીક બતાવીને બધી રીતે નીચવવામાં આવે છે.માતા બહેનો અને સેવિકાઓનું કાર્ય સફળતા,પુણ્ય,મોક્ષ અને મુક્તિના નામે શારીરિક શોષણ કરવામાં આવે છે જેમાંથી પેલા પાખંડી સાધુ પણ બાકાત ના હતા.હું તો મુઠ્ઠી વાળીને પાછો ઘર ભેગો થયો.અને બસ આ બધુ જોઈ રોજ મરી રહ્યો હતો થોડો થોડો.આખરે આજ એ ઘડી આવી કે મને એ દુનિયાથી છૂટકારો મળ્યો અને તમારો સાક્ષાત્કાર થયો છે.’’ કહેતા હરિભાઈ પ્રભુ સમક્ષ અનિમેષ પણે જોઈ જ રહ્યા.

હવે વારો હતો ઈશ્વરનો,તેઓ બોલ્યા: ‘‘હાં તમારી વાત સાચી છે વત્સ,મે બનાવેલી દુનિયામાં તેનો મૂળ આશય નામશેષ થયો છે.’’ હરિ ભાઈ બોલ્યા; ‘પ્રભુ તમે તો જગતના કરતાં હર્તા છો,ત્યાં કોઈ એવા વ્યક્તિને મોકલો જે આ બગડતી દુનિયાને ઉગારી શકે.’’ પ્રભુ તેમની વાત સાંભળીને મરક મરક હસી રહ્યા. ‘‘કેમ પ્રભુ આપ હસો છો આપના માટે તો કઈ અશક્ય નથી તમે યુગે યુગે અવતરીને દુષ્ટોનો સંહાર કર્યો છે,તો હવે તો ઘરો ઘર આ દુષ્ટે અવતાર લીધો છે તો આપ કાંઈ નહીં કરો,શું જગત આમ જ વલખ્યા કરશે?’’ હરિભાઈ ઈશ્વર સામે કુતૂહલતાથી જોઈ રહ્યા. ‘‘તમારે હવે આ માટે કોઈ તો એવા અવતારીને પૃથ્વી પર મોકલવા જ પડશે જે આ દુષ્કૃત્યો મીટાવીને પૃથ્વીને નિષ્પાપ કરે’’ ‘‘મારા પ્રિયતમ સંતાન,મે તો તમને જ મોકલ્યા હતા.’’ કહેતા પ્રભુએ તેમની માયા વહેતી કરી. ‘‘એટલે..!!?’’ ‘‘હાં,તમે જ એ હતા પણ…’’ ‘‘પ્રભુ સ્પષ્ટ કહો તો કઈક તાત્પર્ય સમજી શકું’’

ઈશ્વર બોલ્યા: ‘પુત્ર હું તો અહીથી એવા દરેકને તે આશયથી જ અવતારું છુ કે ત્યાં મારા સંતાન જશે અને બીજા સંતાનોને સાચો માર્ગ ચીંધાડશે.પણ ત્યાં જઈને તમે લોકો મને ભુલી જાઓ છો અને સંસારની મોહ માયાના રંગે રંગાઇ જાવ છો,બાળપણ,યુવાની,ઘર સંસાર બધી જ આટીઘૂંટીમાં લપેટાઇને તમારો પૃથ્વી પર જવાનો આશય ભુલી જાવ છો.અને પછી ત્યાં તકલીફ પડે એટલે મને દોષ આપો છો.કહો પુત્ર,આ ક્યાંનો ન્યાય છે..?’’ હરિભાઈને હવે ખરા અર્થમાં ઈશ્વરનો સાક્ષાત્કાર થતો લાગ્યો.

ઈશ્વરે કહ્યું, ‘‘પુત્ર મને કોઈ જ વ્હાલા કે દાવલા નથી,પણ ત્યાં જઈને તમે સૌ જે કર્મ કરો છો તે જ ભોગવો છો.યાડ રાખો માનવ કે કર્મના ફળથી સાક્ષાત દેવ પણ બચી શક્યાં નથી.જે દ્રષ્ટાંત મે દરેક અવતરમાં પૂરું પાડ્યું છે અને તમે ત્યાં રહી આશા રાખો છો કે હું ભલે ગમે તેમ કરું પણ મને ફળ તો શુભ જ પ્રાપ્ત થાય તો એતો શક્ય જ નથી ને..? મે તમને ત્યાં બહુ આશાએ મોકલ્યા હતા તમે શું કરી આવ્યા વત્સ ?’’ હરિભાઈ ત્યાં જ ફસડાઈ પડયા,હવે તેમના જે અસંખ્ય આંદોલિત સવાલો હતા તેના તો જવાબ મળી ગયા,પરંતુ ઈશ્વરના આ સવાલ નો જવાબ શું આપે…!!? (સમાપ્ત)

લેખક : સાધના પ્રજાપતિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here