હટાણું | નવલિકા : ભાગ – ૩

zrukho

દેમાર દોડતી એ આકૃતિ હવે નજીક આવી ગઇ.બધાં ઊભા થઇ આવનાર ઓળા તરફ જોઇ રહ્યાં.એ આવીને સીધો જ શેરડીના કુચાના ઢગલા પર ઢળી પડ્યો.લાગતું હતું કે,એના ગોઢણ અને સાથળના સ્નાયુના ભુક્કા નીકળી ગયા હતાં.પગરખા તો ક્યાંય નીકળી ગયેલા.તળીઓમાં કોતરોના છરા ભુંકાય ગયેલા હોય એમ રક્તરંજીત ચીરાઓ પડી ગયેલા.શરીર આખું પરસેવે રેબઝેબ હતું.એ બેભાન જેવી અવસ્થામાં કૂચાના ઢગલાં પર આવીને પડી જ ગયેલો.તેના મુખ પર ભયના ભાવ સ્પષ્ટ જણાતા હતાં અને અંધકારભર્યા જગતમાં મંડાણરૂપી આ એક પ્રકાશની દિવડી મળી ગયેલી એનો હળવો આનંદ પણ…!

મજુરો પણ કામ છોડીને આ આવનાર માણસને જોઇ રહ્યાં.પ્રાગજીડોસા સમેત બધાં આ અણધાર્યા ને અજાણ્યા આગંતુક ભણી થોડીવાર તો મીટ માંડીને જોઇ રહ્યાં.પછી બેએક જણાએ તેને ઉંચકીને ખાટલા પર સુવાડ્યો.પ્રાગજી ડોસાએ એના હાથને તપાસ્યો,પછી કપાળ પર હાથ મુક્યો.શરીર ધગતું હતું.પછી પોતાની પછેડીએથી એના પર હવા નાખવા માંડ્યા.બીજા એક ખેડુતે પણ એનું ફાળિયું છોડીને સુતેલા દેહની ઉપર ફેરવવા માંડ્યું.

“ગેમા ! કળશ્યો ભરી લાવ તો.”પ્રાગજીડોસાએ એક મજુર ભણી જોઇને કહ્યું.પાણી આવ્યું અને ડોસાએ કળશ્યો હાથમાં લઇ પાણીની ઝાલક મારી.એના નિશ્વેતની જેમ પડી રહેલા દેહની આંખો ધીમે-ધીમે ખુલી.ઘડીભર તો એ એમનેમ પડી રહ્યો.પછી ઓચિંતુ પડખું ફેરવીને ચારેબાજુ જોયું.અને ઝાટકો મારીને પથારીમાં બેઠો થઇ ગયો.

“બી મા,ભાઇ ! આ ઠેકાણે તારે ખોટી ભે રાખવાની જરૂર નથી.”પ્રાગજી ડોસા પાસે ઉભા-ઉભા બોલ્યા ને તેણે પાણીનો કળશ્યો ધર્યો.એક જ શ્વાસે એ પી ગયો.ધીમે-ધીમે બધાં એના ખાટલા આસપાસ વીંટળાઇ વળ્યા.આ માણસની સાથે શું થયું એ બધાને જાણવું હતું.

“તારુ નામ ?” ધીરે રહીને પ્રાગજી ડોસાએ પુછ્યુ.

“હમીર.” એ બોલ્યો.

“ગામ ?”

હમીરે સામેની દિશામાં આગળી ચીંધી.

“શી વીતી છે તારી માથે ?”

હમીરે પોતે કેમ નીકળેલો અને રસ્તામાં થયેલો અનુભવ કહી સંભળાવ્યો.વડલા નીચે એનુ ગાડું ભાંગી ગયું ને કોઇ બાઇનો ઓળો દેખાયો એ વાત કહી સંભળાવી.ત્યાં ઉભેલા અમુકના દેહમાંથી ઠંડીનુ લખલખુ પસાર થઇ ગયું.

“એ બાઇને તે નીરખીને જોઇ’તી ?”પ્રાગજીડોસાએ પુછ્યું.બધા એની સામે જોઇ રહ્યાં.

“જોવાનો વખત લીધો હોત તો હું જીવતો ન હોત.”હમીરના શરીરમાંથી જરી જેટલું લખલખું પસાર થઇ ગયું.

“ડોસા ! તમે કેવા શું માંગો છો ? જોઇ’તી એટલે…?”એક ખેડુતે ડોસાને પુછી લીધું.

“એ તમારા ગામના જેરામ દરબારની દિકરી છે.”ડોસાએ હમીરને કહ્યું ને હમીર હક્કોબક્કો રહી ગયો.એને આ વાત વધારે પડતી ખોટી જેવી લાગી.ઘડીભર તો એ નક્કી ના કરી શક્યો કે આ ખરેખર સાંભળે છે કે એમ જ…!

“પણ એ તો…”

“હાં,”હમીરને અધવચ્ચે જ બોલતો અટકાવીને ડોસા બોલ્યા : “એ મરી જ ગઇ છે…!”

મજુરો ને બીજા ખેડુતો મોં વકાસીને પ્રાગજીડોસા સામે દાટેલા ડરથી જોઇ રહ્યાં.અમુક એ દિશા ભણી જોઇને ફરી ઝટાક દેતા મોઢું ફેરવીને ડરના માર્યા સાવ નજીક આવી ગયાં.

ત્રણેક વર્ષ પહેલાનો ભૂતકાળ ફરી એકવાર હમીરની આંખો સામે આવી ચડ્યો.હમીરે હજી સુધી કોઇ સામે નજર નાખીને આંખ ઠારી હોય તો એ સોનલ હતી.ગામની નિશાળમાં બંને સાથે ભણતા.ડેલીએ તો દર અઠવાડિયે અવનવી વાનગીઓ બનતી ને સોનલ ક્યારેય છાનામાની ડબ્બામાં ભરી લાવતી.બરફી,મોહનથાળ કે ક્યારેક દુધપાક પણ ! રીસેસમાં હમીર લહેરથી ખાતો.બાળપણથી જ બંનેને એકબીજા પ્રત્યે લગાવ.હમીરના ઘરની પરિસ્થિતી ઠીકઠાક હતી.વગડામાંથી તોડી લાવેલા બોરની થેલી ભરીને એ પણ સોનલને આપી દેતો.એકવાર હમીરની ઘરે ગાય વિયાણી તે તાજી બનાવેલી બરી પણ સોનલ માટે લાવેલો.રીસેસમાં એ બંને લીમડાના છાયામાં ગોળ-કુંડાળા રમતા ને ક્યારેય ઝગડી પડતા.પણ ફરી પાછા હતા એવા.નિશાળમાં હોય એટલી ઘડી બંને હસતા,ઝઘડતા ને રમતા.એ પછી તો સોનલને બહાર નીકળવાની રજા બહુ ઓછી મળતી.બંનેના ઘર પણ ઘણા અંતરે હતાં.એટલે પાચીકે રમવાનું કે મિજબાની કરવાનું ન બનતુ.

એ પછી તો સાત ચોપડીનું ભણતર પુરુ થયું.ભણવામાં રસ નો’તો ને ભણાવવાના બાપ પાસે પૈસા નહોતા એટલે હમીરે ખેતી સંભાળી લીધી ને સોનલ ભણવામાં ચબરાકને વળી ખમતીધર ખોરડું એટલે જેરામભાએ એને શહેરમાં અંગ્રેજી ભણવા મોકલી.હમીરને નજરો હવે કાયમ માટે સોનલને ભાળતી નહોતી.એ ઉદાસ થયો.દિવાળીના કે ઉનાળાના વેકેશનમાં સોનલ ઘરે આવતી ત્યારે હમીર એને જોવા માટે દોડી જતો.દુરથી એને ડેલીને ઓટે બેઠેલી કે ઓસરીમાં હિંડોળે ઝુલતી જોઇ રહેતો.

નવમી ચોપડી ભણતી સોનલ એકવાર દિવાળીના વેકેશનમાં ઘરે આવેલી ને તે દિવસે એના ઘરે કોઇ નહોતું.બધા ગામતરે ગયેલા.સોનલના કાકા બજારમાં ગયેલા એવે વખતે લાગ જોઇને પહેલી વાર હમીર દોડીને હિંડોળે ઝુલતી સોનલને મળવા દોડી ગયેલો.થેલીમાં લાવેલા મગફળીના ઓળા તેને આપેલા.સોનલ બહુ રાજી થયેલી ને એણે કહ્યું હતુ,”અલ્યા ! તું પણ ભણવા આવ્યો હોત તો બહુ મજા પડત હો…!”હમીર હસી પડેલો.વધુ વાત કરવાને બદલે પછી એ તરત નીકળી ગયેલો,એને બીક હતી કે સોનલના કાકા હમણા બજારમાંથી આવશે.

બસ,સોનલ સાથેની એ છેલ્લી રૂબરુ મુલાકાત હતી.પછી તો ભલીભોળી,નટખટ,મીઠડી અને મધુરી લુચ્ચી સોનલમાં યુવાનીએ એંધાણ માંડ્યા ને લજ્જાને એણે ઓઢી લીધી.ઘરમાં પણ હવે તો એ વેકેશનમાં આવતી તો પણ બહુ ઓછી દેખાતી.પહેલાં તો હજી એની બહેનપણીઓ સાથે બજારમાં કે બીજે જતી પણ હવે ઘરમાં જ રહેતી અને પાછી વેકેશન પુરું થતા ચાલી જતી.સ્ટેશન પર બગી મુકવા અને લેવા આવે એ જ વખતે હમીર તેને જોઇ શકતો.બાકી બંધ…!

એમ થતાં સોનલે મેટ્રીક પાસ કરી અને કોલેજ કરવા લાગી.સૌંદર્યદેવી એના પર મહેરબાન હતા.ગામમાં એના જેવી સુંદરતા કોઇમાં નહોતી.અને લજ્જા સાથે એ સુંદરતા બહુ દીપી ઉઠતી.હમીર પણ હવે બાળક નહોતો.સોનલ વર્ષમાં જે દિવસે દેખાય એ દિવસ એના માટે સોના સમાન બનતો.એના મંત્રમુગ્ધ કરી દેનાર સૌંદર્યને એ જોઇ જ રહેતો.

ક્યારેક એને ઉડતા સમાચાર મળતા કે,સોનલ પરિક્ષાઓમાં અવ્વલ નંબરે પાસ થાય છે ને એ બેએક વર્ષમાં બહુ ઊંચી નોકરી કરશે ત્યારે એને મનમાં અજાણ્યો આનંદ થતો.એક દિવસ એણે વાત સાંભળી કે,શહેરમાં જ કોઇ જેરામભાના સબંધી કુટુંબમાં એનુ સગપણ થઇ ગયું છે…!હમીરે આની તો કલ્પના પણ નહોતી કરી.એને થયું કે આ કદી શક્ય જ નથી.એ દિવસે એ ઘાંઘોવાંઘો થઇ ગયેલો.ખબર નહિ કેમ પણ એને અંદરથી એમ લાગતું હતું કે,એની પાસેથી એની દોલત કોઈ છીનવી રહ્યું છે.સોનલનું સ્મિત હવે જોવા નહિ મળે,એના ડબ્બામાંથી બરફી ચાખવા નહિ મળે કે ના તો હું એને મારી ગાયની બરી ખવડાવી શકીશ.હવે બોરડીમાંથી કાંટા ખાઇને વીણેલા બોર સોનલ ચાખી નહી શકે…!બસ આ જ તો એની દોલત હતી.એને સોનલને જોવાની ને ક્યારેક એની સાથે વાતો કરવાની ઝંખના હતી પણ લગ્ન થઇ ગયા બાદ તો એના પરીવારમાં કોઇ સ્ત્રીનું મુખ પણ ક્યાં જોઇ શકાય છે ?ને વળી,એ હંમેશ માટે બીજું ઘર અપનાવી લેવાની હતી.એની ઝંખના ને એની અંદર રહેલો કહી શકાય નહિ એવો છાનો ગુસ્સો,બહાર કાઢે તો ધજાગરા થાય એવા થોડાએક આંસુ – આ બધું એ કહે તો કોને કહે ? અને એની ઓકાત પણ શી કે દરબારની દિકરી માટે તે આવી વાત કરી શકે…!એ મનમાં પોતાને પણ ખ્યાલ નહોતી તેવી વ્યગ્રતા અનુભવ્યા કરતો.

એ પછી કામના બોજ હેઠળને બીજી વ્યાધિઓમાં એ સોનલને દિવસમાં એક-બે વાર યાદ કરી લેવા માંડ્યો.એ બાબતે બહુ વિચાર કરવાનું એણે માંડી વાળ્યું.પછી તો એનું સગપણ પણ થયું.સોનલની પણ હવે કોલેજ પુરી થઇ ગઇ હતી.વૈશાખ મહિનામાં એના લગ્ન હતાં.જેરામભાના ઘરે પ્રસંગ હોવાની વાત ગામમાં ઘરે-ઘરે ચર્ચાવા લાગેલી.ડેલીએ રંગ-રોગાન થઇ રહ્યા હતાં.બે વર્ષ પછી સોનલ ઘરે આવતી હતી.હમીર પણ તેને એકવાર લાગ મળે તો છૂપાઇને નીરખી લેવા માગતો હતો.જો કે,તેની અંદરની વ્યગ્રતા તો પાછી ચાલવા માંડેલી.

છેલ્લું પેપર આપીને આજ સાંજે સોનલ આવી રહી હતી.જેરામભાના ઘરના લગ્નના કામકાજમાં ગળાડુબ હતાં.જેરામભા સગા-સબંધીઓને ટહેલ નાખવા બહારગામ ગયેલા.રોઢો થતાં દરબારનો વિશ્વાસુ પાસવાન બગી લઇને નીકળ્યો.ગાડું લઇને ઘરે આવતા હમીરે બગીને જતી જોઇ હતી.અને એના મનમાં સોનલને જોવાની ઉત્સુકતા અને થોડી નિરાશાની મિશ્ર લાગણી થઇ આવેલી.

રાતના લગભગ દસેક વાગ્યાના સુમારે ગામમાં હાહાકાર મચી ગયો.નાના-મોટા દરેક ઘરના લોકો જેરામભાની ડેલીએ ભેગા થઇ ગયેલા.ડેલીમાંથી આવતું સ્ત્રીઓનું આકરુ રૂદન ભલભલાને હચમચાવી નાખે તેવું હતું.આ છાતીફાળ રુદને ગામ આખાને કરૂણતાનો આંચળો ઓઢાડી દીધેલો.સોનલની કોઇકે હત્યા કરી નાખેલી…!

રાતે નવેક વાગ્યે સોનલને લાવવાને બદલે પાસવાન એકલો હાંફળો ફાંફળો,અબોલ,અને પગમાં લોહીના ઉઝરળા સમેત દોડતો આવેલો.ડેલીએ આવીને એ પડી જ ગયો.બધાના શ્વાસ ઉચ્ચા થઇ ગયા.સોનલ ક્યાં…?ગામતરેથી આવી પહોંચેલા જેરામભાએ એને રીતસર હચમચાવી નાખ્યો હતો.”સોનલ ક્યાં છે ?” “હરામી બોલ તો ખરો ક્યાં છે સોનલ…?” પણ પાસવાન કશું બોલી શકે એમ નહોતો.એ માત્ર પોતે ગયેલો તે રસ્તા ભણી આંગળી ચીંધતો હતો.એના મુખમાંથી લોહીની ધાર થતી હતી.

“જીભ કપાઇ ગઇ છે તારી…?ઢોરના પેટના બોલ.ક્યાં છે સોનલ ક્યાં છે…?મોઢામાં મગ ભર્યા છે તારા…?”એમ કહીને આવેશમાં જેરામભાએ પાસવાનના મોઢાને પોતાને હાથ વડે જોરથી દબાવ્યું ત્યારે મોઢામાં લોહીના ખુંટડા સિવાય કાંઇ નહોતું.પાસવાનની જીભ ખરેખર કપાઇ ગઇ હતી…!

તરત જેરામભાએ બે ઘોડેસ્વારને માર્ગે વહેતા કરેલા.જંતોડા જેવી ઘોડીઓ પર તેઓ દેમાર જતા.પસા પટેલની વાડી વટી અને વડલા હેઠેથી તેઓ પસાર થતા હતાં ત્યારે એક સવારના માથામાં કશુંક અથડાયું.ઘોડા થોભાવી જોયું તો એ સોનલની લટકાવેલી લાશ હતી…!કઠણ કાળજાના સવારો પણ ઘડીભર કંપી ગયા.પછી લાશને ગામમાં લાવી.અને ગામમાં માતમ છવાઇ ગયો.છાતીફાટ રૂદનો થયા.કાળો કડેટાટ થઇ ગયો.હતભાગી સોનલ વેદીના અગ્નનિને બદલે ચિતાના અગ્નિને વ્હાલી લાગી…!ગામમાં બે દિવસ માટે કોઇએ સરખું ખાધુ નહિ.હમીરનું તો મગજ બહેર મારી ગયેલું.થોડા દિવસ એ ગાંડાની જેમ રખડ્યો હતો.પછી એક દિવસ એકાંતમાં ખુબ રડ્યો.

કોણે કર્યું હતું આવું ? મહિનો દિવસ સુધી પોલીસ તપાસ ચાલી પણ કોઇ ભાળ ન મળી શકી.એ વાતને પછી તો બે વર્ષ વીતી ગયાં.પણ આ ઘટનાને ગામલોકો હજી તાજી જ ગણતાં.અને કેમ ના ગણે ? આ અગાઉ આવો બનાવ ગામમાં કદી બન્યો નહોતો અને એમાંયે આ તોભલભલાને ધ્રુજાવી મુકનાર હતો.એ રસ્તે પછી લોકો દિવસના પણ જતા ડરતા.વડલા હેઠેથી જેમ બને તેમ ઝટપટ પસાર થઇ જતાં.અને રાત્રિના સમયે તો ત્યાંથી નીકળવની કોઇ ભુલથી પણ ભુલ ન કરતું.

“એને કોણે મારી ખબર છે…?”પ્રાગજી ડોસાએ હમીર સામે જોઇને સવાલ કર્યોને હમીર એક ઝાટકે ભુતકાળમાંથી વર્તમાનમાં આવી ગયો.

“શું…?શું…?”હમીરના કાન વાત પકડવા આતુર બન્યાં.

“જેરામભાની છોકરીને કોણે મારી ખબર છે…?”ફરીવાર પ્રાગજી ડોસાનો અવાજ આવ્યો.

અને હમીરના શરીરનો બધો થાક જતો રહ્યો.આ ડોસાને ખબર છે…!બે વરસથી જેનો તાગ નથી મળ્યો એ આ ડોસાને ખબર હશે…!થોડીવાર તો હમીરને શંકા જાગી.પણ ફરીવાર એ જાણવા આતુર બન્યો.એણે એકદમ જ પૂછી નાખ્યું –

“કોણે…?કોણે મારી…?”

ધીરે રહીને પ્રાગજી ડોસા બોલ્યા – “પસા પટેલના છોકરાએ….!”

થોડીવાર છન્નાટો છવાઇ ગયો.

ક્રમશ : આગળની વાત આવતા ભાગમાં.

લેખક : કૌશલ બારડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here