હટાણું | નવલિકા : ભાગ – ૨

zrukho

ધીરે-ધીરે ખખડધજ ગાડું વડલાની નીચે આવવા લાગ્યું.ઝાંખી ચંદ્રમાની ચાંદનીમાં તેને એ વડ ખરેખર બિહામણો લાગ્યો.અહિંથી ઝટ નીકળી જવું એ જ તાલાવેલી એના મનમાં હતી.એને બળદોની ગતિ ધીમી.લાગી અને બંનેની પીઠ પર એક એક સોટીનો ઘા કરી લીધો.”મડદાંની જેમ ઢસરડાં કરે છે નિ’ત ખોટાવ ! હાલવા માંડો..”ધીમેથી એ ગણગણ્યો.

હવે બરાબર ગાડું એ વડલાની નીચે આવ્યું.સોથેક જંગી વડવાઇઓના ટેકે ઊભેલો એ કોઇ જુના જોગંદર સમો દીસતો હતો.નહિ નહિ તોયે વીઘા એકમાં તો એનો પથારો હતો.એ જેમ જેમ અંદર ઉદ્ભવી રહેલા અગમ્ય ભયને દબાવવા લાગ્યો એમ એમ એ ભય એને જકડવા લાગ્યો.વડ સામું એણે નજર નાખી – એની પડછંદ કાયાની નીચે અંધારુ જ હતું.બહુ કાંઇ દેખાતું નહોતું.ચાંદનીના કિરણ અમુક ઠેકાણેથી ગળાઇને ટપકતા હતાં.

એ જ વખતે ટાઢા પવનનો લહેરકો આવ્યો.ક્યારના શાંત રહેલા વડના અસંખ્ય પાંદડા ફફડી ઉઠ્યા.ઘણાં પડવાને આરે આવી ઉભેલા પાકા પર્ણો ખર્યા.વડ જાણે જાગી ગયો !અચાનક આ પાંદડાઓના ફફડવાનો અને પડવાનો અવાજ સંભળાતા જ એનું તો જાણે હૈયું જ થંભી ગયું.જેરામ દરબારના પાસવાન સાથે અહિંથી જ કંઇક બન્યું હશે ? વિચાર આવતા જ એનું હૈયું જોશથી એક પળ થડકી ઉઠ્યું.તડાક દેતાંકને એણે બળદો પર સોટીનો પુરજોશમાં ઘા કર્યો.અણધાર્યા પ્રહારથી બળદો ચમકી ગયાં અને રીતસર દોડવા લાગ્યા.વડની છાયામાં કાંઇ દેખાતું નહોતું.

અચાનક કરરક..ખટ અવાજ થયો.ગાડાનું જમણી બાજુનું પૈડું જોશથી ચીલામાં પડેલા પથ્થર સાથે ભડકાયું.જેમ તેમ ટકી રહેલી બળેલ છટકીને ઘા થઇ અને નિરાધાર પૈડું તડાક અવાજ સાથે નીકળી ગયું…!અચાનક આવેલા જોકથી ગાડાંની વચ્ચે કડેડાટી બોલી અને વચ્ચેથી રીતસર ફાંટો પડી ગયો ! જુનું એવું ખખડધજ ગાડું આ જોરાવર પ્રહારથી રીતસર નોખું થઇ ગયું.બળદોને જોતરેલ ધુંસરી વચ્ચેથી બડકી ગઇ ! બંને બળદો નોખા થઇ ગયાં.આધાર વીનાનું હાડપિંજર ધડામ….દઇને ભુંસકાયુ.એ પણ હેઠે ભુંસકાયો.પળભરમાં બધું બની ગયું.થડકો એવો ઘાતક લાગેલો કે ગાડાને ક્ષણભરમાં નોખું કરી નાખ્યું.એ રીતસર હેબતાઇ ગયો.પલભરમાં શું બની ગયું એનો ખ્યાલ ન રહ્યો.ઘડીભર એની બુધ્ધિ બહેર મારી ગઇ.હવે શું કરવું ? વડલાની જોરાવર છાયા પર એની નજર પડીને એ ભયથી હવે તો રીતસર ધ્રુજવા લાગ્યો.આ જગ્યા હવે એને ખરેખર ગોઝારી લાગવા માંડી.શું કરવું હવે ? એણે ભાંગેલ ગાડા પર નજર નાખી,નીકળીને દુર પડેલ પૈડાં ભણી જોયું : ગાડું તો વચ્ચેથી બટકી જ ગયેલું.હવે એની તો અવધિ જ પુરી થઇ !બળદો ધુંસરી ભાંગી જવાથી દુર ઉભા ઉભા એને તાકી રહ્યાં હતાં : એની રાસ તો ઠોકર વાગ્યા ભેળી જ એના હાથમાંથી છટકી ગયેલી.

રસ્તા પર પડેલો એ મોટો પથ્થર એને દેખાયો.પથારી ફેરવી નાખનાર આ પાણાં પર એને જબરી રીસ ચડી.”આ ભામટાને પણ આંય જ મરવુ હતું….”એ બબડ્યો.એણે વિચાર કર્યો કે હવે ગમે ત્યાં પણ અહિંથી દુર જતાં રહેવું.જમણવારનું જે થાય તે….!ત્યાં જ જમીન પર સુકા પાંદડા ખખડવાનો અવાજ થયો અને જબકીને એણે અવાજ ભણી નજર નાખી.એનું ધ્યાન વડલાના વિશાળ થડ ભણી ગયું.અને પલભર એના દેહની તમામે તમામ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થંભી ગઇ ! એક સફેદ વસ્ત્રોધારી મનુષ્યની આકૃતિ એના તરફ આવી રહી હતી-હાં,બરોબર એના તરફ ! અને તરત જ એ આકૃતિએ એક મધુર હાસ્યનો અવાજ કર્યો.આ શ્વેત આકૃતિ અને મધુર છતાં ભયંકર લાગતું હાસ્ય ! એના મોતિયા જ મરી ગયાં.અચાનક એના શરીરમાં જોમ આવ્યું અને બીજો કોઇપણ વિચાર કર્યા વીના એણે દોટ દીધી.રીતસર મુઠીઓ જ વાળી..!જવાનું હતું એ રસ્તે એ ભાગવા માંડ્યો.જો કે,એને એ બધો ખ્યાલ અત્યારે નહોતો.બળદો પણ કોણ જાણે કેમ એકદમ ભડકી ગયેલા પેલી અજાણ આકૃતિ જોઇને ! તેણે જોરથી ભાંભરી આવ્યા હતાં એ માર્ગે ગામભણી દોટ મુકી.

એ ભાગ્યે જ જતો હતો.એના સ્નાયુઓમાં અત્યારે અદમ્ય જોમ હતું : આવી પરિસ્થિતીમાં સામાન્ય હોય છે તેમ ! હજી એના મગજમાં કૌઇ વિચાર ઘુસ્યો નહોતો.બસ,”બને રાખજે જાપાવાળા…”ની રટણ કરતો તે જેમ બને તેમ દુર જવા માંગતો હતો.

“એલાં ! આ ગોળને હજી થોડોક વધુ તવાવવા દેવાનો હતો.આ જોતા નથી હજી ડાંડાનો રસ જ લાગે છે.હુ એવી બધી ઉતાવળ ફાટી જાય છે તમારે ?”

આઘેડ વયના પ્રાગજી ડોસા મજૂરોને ધમકાવતા હતાં.આજુબાજુના વિસ્તારમાં એનું મંડાણ [ પહેલાંના વખતમાં શેરડીમાંથી ગોળ બનાવવાના કારખાનાને મંડાણ કહેવાતા.જે મોટે ભાગે વાડી વિસ્તારમાં,ખેતરોની નજીક હોય. ] વખણાતું.એનો ગોળ એટલે જ તો બજારોમાં તરત ખપી જાતો.ખેડુતો પણ એને શેરડી આપતા.એમાં ગોળમાં કચાશ રહી જાય એ કેમ ચાલે !બબડતા એ બહાર આવ્યા.

સીમમાં તેમના સાઠેક વિઘાની રસ્તા કાંઠાની જમીનમાં જ તેમનું તેમનો આ બેએક વિઘામાં પથારો હતો.આજુબાજુના રખોપે આવતા ખેડુતો પણ અડધીએક રાતના અહિં આવીને બેસતાં અને તાપણી કરી ગરમાગરમ ગોળનો સ્વાદ લેતાં.પ્રાગજી ડોસા એમ દિલના ઉદાર પણ ખરાં ! એમના બે છોકરાઓ રેંટ હાંકતાને પાણી વાળવાનું કામ કરતા.કુવો પણ નજીકમાં જ હતો.મંડાણ મોટું હતું એટલે પંદરેક મજૂરોને રાતે રાખવા પડતા.આમ,આ એકંદરે નીરવ સીમમાં અહિં તો ધમધમાટ ચાલુ જ રહેતો.વચ્ચે રહેલાં નિર્જન વગડાની પેલી બાજુની આ સીમ હતી.

પ્રાગજી ડોસા બહાર તાપણી પાસે રહેલા ખાટલે આવીને બેઠાં.પાચેક પડોશી ખેતરોવાળા પડેલા બીજા ખાટલાઓ પર આળોટતા અલક-મલકની ઝીંકતા હતાં.

“પ્રાગજી આતા આમ તો તમારે હવે જાતરા બાતરા કરવી જોઇએ.આટલા ભેગાં કિધાં છે અ ભેગાં બાંધી જાવા છે ?” – એક જણે મજાકમાં પ્રાગજી ડોસાને ટકોર કરી.

“પછી ધગધગતા ગોળના થાળ તમને માહીનો વર આપશે ? એ તો દિકરાવ હું છે ન્યાં સુધી જલસા કરો.મારી વેજા પાંહે વે’વાર આવશે એટલે આંય ગરવાય નઇ દે.અટાણાની પરજા છે ભાઇ ! “પ્રાગજી ડોસાએ હસતાં હસતાં કહ્યું.બધા હસી પડ્યાં.

“એલાવ !ઓલું કોણ દેમાર ભાગ્યું આવે છે ?”એક જણે અચાનક ખુલ્લી નેળ્ય ભણી જોઇને કહ્યું.

“કોણ ? ક્યાં છે ?”લગભગ બધા બોલી ઉઠ્યા.

પેલાંએ આંગળી ચીંધી ને બધાંએ એ તરફ નજર કરી.પ્રાગજી ડોસાની આંખો પણ માપી ગઇ.અવાવરુ વગડામાંથી આવતા ખુલ્લી નેળ્ય જેવા મારગ પર કોઇક અત્યંત ઝડપથી દોડ્યે આવતું હતું.ચાંદનીના જેવાતેવા ઉજાસમાં એનો ઓળો દેખાઇ આવતો હતો.

બધા કુતુહલની સાથે થોડાક ડરથી એ આવતા ઓળા તરફ જોઇ રહ્યાં.રાત્રે આ વગડાઉં રસ્તેથી લગભગ કોઇ અવરજવર નથી થતી ને આજે આ એ તરફથી કોણ આવે છે ? બધાંના મનમાં “કોણ હશે?”નો પ્રશ્ન રમી રહ્યો. (અપૂર્ણ)

ક્રમશ : વધુ આગળના ભાગમાં.

લેખક: કૌશલ બારડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here