ક્લિક…..

ઓ મારી માઆઆઆઆ…’મિતુનો લાલો મોટેથી બોલ્યો.. ‘હવે આમ બાજુ વળો ને…’ એક મિનિટ લાલા આ એક લાસ્ટ ક્લિક કરી લઉ… મિતુ એટલે કે મિતાલીએ કહ્યું… ને પછી થોડી જ વારમાં એ કારની પાછળની સીટ પર ગોઠવાઈ ગઈ. લાલા અને પતિદેવ નમન, બંનેના મોઢા ફૂલી ગયા. અને તે આવીને કારની પાછળની સીટ પર ગોઠવાઈ ગઈ. ‘આ કંઈક વધારે પડતું નથી થતું હવે?’ નમન બોલ્યો. ‘મમ્મી સાચે જ હો, ક્યારેક તો બહુ કંટાળો આવે છે તારી આ ટેવને કારણે…’રોનકે પણ પોતાનો ઉકળાટ ઠાલવ્યો.. પણ, મીતુ તો પોતાની મસ્તીમાં પોતાના ક્લિક કરેલા ફોટા જોતી હતી..

આ તેનો શોખ હતો.. પહેલાં તો ઘણી જફા થતી. પણ હવે આ કેમેરાવાળા મોબાઈલ આવી જતાં એને જાણે જલસો પડી ગયો હતો. એ જ્યાં પણ જતી ત્યાં ઢગલામોઢે ફોટા ક્લિક કરતી.. અને પછી એના ફ્રેન્ડ સર્કલમાં મોકલતી. પોતાના એફ. બી. એકાઉન્ટ પર પણ સેન્ડ કરતી અને એફ. બી પરના કેટલાય ગ્રુપમાં પણ… અને ઢગલામોઢે લાઇક અને કોમેન્ટ મેળવીને જાણે ઓસ્કાર એવોર્ડ મેળવી લીધો હોય એવી રાજી થતી.

પણ, નમન અને રોનક ઘણી વાર કંટાળીને ગુસ્સે થઈ જતાં… એ બંનેને હવે, આ મિતુનું ગાંડપણ લાગતું. સવારે બે કલાકના મોર્નિંગવોકમાં તે અડધો સમય તો ક્લિકને આપતી જ.. સોસાયટીના ગાર્ડનમાં ખિલેલું ફૂલ કે રોટલી ખાતો કુતરો કે અમથે અમથી વાતો કરતી ડોશી કે પછી કોઈએ બિન્દાસ ફેંકેલો કચરો… કોઈ જ મિતુની ક્લિકથી બચી ના શક્તું! ઘરે આવીને પોતાનું રુટિન પતાવ્યા પછી.. એની આખી બપોર લેપટોપ સામે પસાર થતી. જેટલા ફોટા ક્લિક કર્યા હોય એ બધાને ‘માય ક્લિક’ વાળા ફોલ્ડરમાં નાખવા.. અને એ ફોટાની જો કોઈ સ્ટોરી હોય તો એ પણ લખીને રાખતી.

આ ફોટો આ દિવસે, આ પ્રસંગે કે આ રીતે પાડ્યો… અને ઘણી  વખત તે ફોટા જોતા જોતા માનસિક રીતે ત્યાં પહોંચી જતી…. મોર્નિંગ વોકનું તેને બંધાણ હતું એટલે રોજ સવારે નીકળી જ જતી. અને એની ક્લિક કરવાની આદતની હવે તો સોસાયટીના સભ્યોને પણ ખબર પડી ગઈ હતી.. કેટલાકે તો એનું નામ સુધ્ધાં પાડી દીધુ હતું.. ‘મિતુબેન ફોટાવાળા.’ સવારે વોક કરતાં કરતાં બધાની સાથે ટહુકા પણ કરતી…

‘અરે, લાવો હું બાનો હાથ પકડું, તમે સ્લિપર પહેરાવી દો’ મિતુએ જોયું કે એક બહેન પોતાની સાથે રહેલા માજીના પગમાંથી નીકળી ગયેલું સ્લિપર પહેરાવવા મથતા હતાં પણ માજી ઊભા રહી શક્તા ન હતા એટલે તકલીફ પડતી હતી.એટલે મિતુએ આમ કહીને એ બાને પકડી રાખ્યા અને એ બહેને બાને સ્લિપર પહેરાવ્યા…અને પછી બંન્નેએ મિતુને એક આભારિત સ્માઇલ આપ્યુંને ધીરે ધીરે ચાલવા લાગ્યા. મિતુને થયું કે ‘લાવને ક્લિક કરું’ પણ આજે પહેલી મુલાકાત હતી એટલે ખમી ગઈ ને ચાલવા લાગી..

ઘરે આવીને પોતાના પતિને બધી વાત કરી. એ મિતુની સામે જોઈ રહ્યો… એટલે મિતુએ જ ખુલાસો કર્યો કે ‘આજે પહેલી વાર મળ્યા એટલે ફોટો નથી પાડ્યો હો…! કહીને પોતાના કામે લાગી ગઈ.’ બીજે દિવસે પણ એ બંન્નેને જોયા. એટલે એની નજીક ગઈ અને જય શ્રી કૃષ્ણ  કર્યા. એમણે પણ સામા જય શ્રી કૃષ્ણ કર્યા.. અને ધીરે ધીરે ચાલવા લાગ્યા… મિતુને લાગ્યું કે જાણે કે એમને બહુ રસ નથી તેની સાથે વાત કરવામાં.

‘તો કાંઈ નહીં ને અહીં મારે પણ ક્યાં નવરાશ છે…’ એવું વિચારતી વિચારતી મિતુ ચાલવા લાગી. આમને આમ પંદરેક દિવસ વીતી ગયા ધીરે ધીરે મુસ્કાનનો સિલસિલો વધ્યો.. એને સતત ફોટા પાડતી જોઈને, એક દિવસ એ લેડીએ સામેથી જ પૂછ્યું ‘તમને ફોટોગ્રાફીનો શોખ લાગે છે? હું જોઉં છું રોજ તમે કેટલાય ફોટા પાડો છો.’

‘ હા, મને શોખ છે…’કહીને મિતુ એની સાથે ચાલવા લાગી. ‘આજે તમે એકલા? બા નથી આવ્યા?’ મિતુ એ પૂછ્યું ‘ બા આજે એમની સાથે આવે છે. આજે રવિવાર છે ને? તો રજા છે..’ ‘ મારું નામ મિતુ છે. હું આ એ-૫ માં રહું છું.’ મિતુ એ પોતાનો પરિચય આપતાં કહ્યું. ‘સરસ.’ પેલા બેને કહ્યું… ‘મારુ નામ નિલુ છે. આમતો નલિની છે, પણ બધા નિલુ કહે છે.’ ને આમ ને આમ રોજ રોજ વાતો કરતાં કરતાં તેઓ સારા પરિચિત થઈ જાય છે.

નિલુના પતિને પણ ફોટોગ્રાફીનો શોખ હોય છે.. એટલે મિતુને તેની સાથે વધારે ફાવે છે… અને એનો આવરો જાવરો શરૂ થઈ જાય છે… ધનેશભાઈનું ફોટો કલેક્શન જોઈને તો મિતુ બેહદ રાજી થઈ જાય છે.. અને પછી પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે. પણ, મિતુએ જોયું કે એ લોકો બહુ ક્યાંય બહાર જતાં નથી. કે આજુબાજુમાં કે નીચે બગીચામાં પણ ઓછા આવે છે. હશે, કદાચ ના ગમતું હોય કોઇને.

મીતુએ જોયું કે એમના ઘરમાં એક છબી છે. એક સુંદર યુવતીની… પણ, એણે કંઈ પૂછ્યું નહીં એટલે નિલુએ કહ્યું કે એ ફોટો એની દીકરીનો છે. છેલ્લાં ત્રણેક મહિનાથી લાપતા છે. કોઈ સગડ નથી. અને એટલે તેઓ એમનું જુનું ઘર છોડીને અહીં અજાણ્યા એરિયામાં રહેવા આવી ગયા છે. ત્યાં પાડોશીઓની ખૂબ ચું ચું થતી હતી.

મિતુએ એની દીકરીના ફોટાનો ફોટો પાડ્યો. અને ઘરે આવતી રહી.  તેણે આવીને તરત માય ફોલ્ડર ખોલ્યું અને ફરી બધા ફોટા જોવા લાગી.

ઓહોહો આ લાસ્ટ વેલેન્ટાઈન ડેના ફોટા… અને એ તેના વિચારોમાં ખોવાઈ ગઈ કે નમન તો મોટી હોટેલમાં લઈ જવા માંગતો હતો પણ, પોતે આ આનંદ ઉદ્યાનમાં જ ગઈ. એક તો ત્યાં ફોટોગ્રાફી સરસ થાય છે અને બીજું ત્યાની પાણીપુરી મિતુને બહુ ભાવે છે… અને પોતે કેટલા ફોટા પાડેલા. લાલો અને નમન ગાડીમાં બેસી ગયા પછી પણ પોતે ક્લિક કરતી રહેલી… એમાં આજે આ વધારે ઉમેરો. નિલુની દીકરી રીમા અને એની સ્ટોરી.

પણ, એને રીમાનો ચહેરો ક્યાંક જોયેલો લાગ્યો. ઘણું યાદ કરવાં મથામણ કરી પણ, વ્યર્થ. કામે વળગી. બપોરે ફ્રી થઈને બેસી ગઈ લેપટોપ લઈને. એક એક ફોલ્ડર ખોલતી ગઈ અને ફોટા જોતી ગઈ. પણ, વેલેન્ટાઈન ડે વાળા ફોટા પર એ અટકી જાય છે ખબર નહીં કેમ? એક-એક કરીને બધા ફોટા ફરી ફરીને જુએ છે. પણ, પછી કંટાળીને બીજા ફોટા જોવા લાગે છે. અચાનક ડોરબેલ રણકે છે.

દરવાજો ખોલે છે તો નિલુ અને ધનેશ આવ્યા છે. સ્વાગત કરે છે. બેસે છે. ખૂબ વાતો કરે છે. અને અંતે ‘આવો મારા ક્લિક કરેલા ફોટા બતાવું’ પર તેની ગાડી અટકી જાય છે. ત્રણેય સાથે બેસીને ફોટા જુએ છે. મિતુ દરેક ફોટાની સાથેની કોઈ વાર્તા હોય તે કહે અથવા ક્યાં ફોટો ક્લિક કર્યો કેવી રીતે ક્લિક કર્યો એની આખી વાત કહેતી જાય. નિલુને કંટાળો આવ્યો પણ, ધનેશભાઈને ગમ્યું. એમ જ આગળ આગળ ફોટા જોતાં જોતાં વેલેન્ટાઈન ડે ના ફોટા પર આવ્યાં. મિતું નમન અને રોનકના ફોટા બતાવીને હસવા લાગે છે. કહે છે કે આ બેઉને ખબર ન હતી એમ ક્લિક કર્યા છે.

અચાનક ધનેશભાઈ બોલી ઊઠે છે. એક મિનિટ મિતુબહેન આ ફોટા ફરી બતાવો તો! મિતુ વેલેન્ટાઈન ડેવાળા ફોટા ફરી બતાવે છે. એક એક ફોટાને ધનેશભાઈ ધ્યાનથી જુએ છે. ઝૂમ કરીને જુએ છે અને એક બૂમ પાડી ઉઠે છે. નિલુ આ જો. આ ફોટામાં પાછળ ગાર્ડનના ફોટા જો. આ કોણ છે?

નિલુબહેન થોડા નજીક આવ્યા. અને ઝૂમ કરેલા ફોટાને નિરખીને જોયો. એક-એક કરીને બીજા છ – સાત ફોટા પણ ઝૂમ કરીને જોયા અને પછી ધનેશભાઈ અને નિલુબહેન એકબીજાની સામે આશ્ચર્ય, દુઃખ થી જોવા લાગ્યા. મિતુને કંઈ સમજાયું નહીં એટલે એમણે પૂછ્યું શું થયું?  ધનેશભાઈ એ મિતુને પૂછ્યું કે આ ફોટા હમણાં ના જ છે? મિતુએ હા કહી

એટલે નિલુબહેન બોલી ઊઠ્યા એનો મતલબ ૧૪ તારીખે રીમા તરુણ સાથે હતી? મિતુને તો હજુ સુધી કાંઈ સમજાતું ન હતું. ધનેશભાઈએ પોતાના પોકેટમાંથી પેન ડ્રાઇવ કાઢી અને એ વેલેન્ટાઈન ડે ના બગીચાવાળા ફોટા એમાં લઈ લીધા અને બંન્ને ત્યાંથી જતાં રહ્યાં. મિતુ ને તો કાંઈ જ ગમ ના પડી.

થોડી વાર પછી નિલુબહેન નો ફોન આવ્યો અને તેને ઘરે બોલાવી. મિતુ ગઈ. તો ત્યાં બે-ત્રણ પોલીસ વાળા બેઠા હતા. મિતુ ધ્રૂજી ગઈ.  એક પોલીસવાળાએ મિતુ ને પૂછ્યું એ ફોટા બાબતે. તો મિતુ એ કહ્યું કે એ ફોટા આ વેલેન્ટાઈન ડેના દિવસે સાંજે આનંદ ઉદ્યાનમાં ક્લિક કરેલા.. ધનેશભાઈએ પોલીસ ને કહ્યું કે એનો મતલબ સાંજ સુધી રીમા તરુણ સાથે હતી?

તો તરુણ કેમ ખોટું બોલ્યો..કે એ ગામમાં જ હતો. હવે બધા પોલીસની જીપમાં ધનેશભાઈના નાના ભાઈના ઘરે ગયા. જે શહેરથી દૂર એક ગામડામાં રહેતા હતા અને નાનકડી કરિયાણાની દુકાન ચલાવતા હતા. આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે ધનેશભાઈ ઘણી વખત મદદ કરતાં જે રીમાને ઓછું ગમતું એ કહેતી કે તરુણને કહો કે કાંઈક નોકરી ધંધો કરે આમ આખો દિવસ નવરો બેઠો રહે છે એના કરતાં તો કંઈક કામ કરે એ સારૂં. જે તરુણને જરા પણ ગમતું નહીં એને તો એશોઆરામની જીંદગી જીવવામાં જ રસ હતો.

પછી ધીરે ધીરે ધનેશભાઈને પણ લાગ્યું કે તરુણ વધારે પડતો એમને આધારિત થતો જતો હતો એટલે એક દિવસ ધનેશભાઈએ એને ટોક્યો પણ ખરો અને પછી સમજાવ્યો પણ ખરો. આ બધું રીમા અને નિલુબહેનની હાજરીમાં જ થયું હતું. તરુણ એક્દમ છોભીલો પડી ગયો અને જતો રહ્યો હતો..

અચાનક પોતાના જેઠ, જેઠાણી અને પોલીસસ્ટાફને જોઈને તરુણની મમ્મી ગોદાવરી તો ગભરાઈ ગઈ. જલ્દી જલ્દી તરુણના પપ્પા કેદારભાઈને બોલાવી લીધા. પોલીસ ઇન્સ્પેક્ટરે તરુણ વિશે પૂછ્યું તો ગોદાવરી એ કહ્યું કે એ સૂતો છે. નિલુબહેને એને જગાડ્યો અને એક તસતસતો તમાચો મારી દીધો અને રીમા વિશે પૂછ્યું.

ગોદાવરી એક્દમ ગુસ્સે થઈ ગઈ. ત્યાં તો કેદરભાઈ આવી ગયા. ગોદાવરીએ એનો બધો ગુસ્સો એમના પર ઊતર્યો. પોતાના લાડકવાયાને આમ લાફો મારવા બદલ ગોદાવરીએ નિલુબહેન સાથે ઝઘડો કરવાનું શરૂ કરી દીધું.  પણ, તરુણ શાંતિથી ઉભો છે. અને એક્દમ નમ્રતાથી એણે પૂછ્યું કે ‘ભાભુ મેં શું કર્યું, મને કેમ મારો છો?’

પોતાના દીકરાની આવી નમ્રતા જોઇને ગોદાવરી ગદ્દગદ્ થઈ ગઈ. એકવાર તો નિલુબહેનને પણ એમ થયું કે પોતે કોઈ ભૂલ તો નથી કરીને? પણ ઇન્સ્પેક્ટર સાહેબની કડક પૂછપરછ પછી એ ભાંગી પડ્યો. અને પોતાનો ગુનો કબૂલી લીધો.

વેલેન્ટાઈન ડેના દિવસે સાંજે તે રીમા સાથે હતો. પોતે હવે સુધરી ગયો છે,એવું એણે રીમાને સાબિત કરી દીધું હતું. એટલે રીમા એના પર વિશ્વાસ મુકીને એની સાથે આનંદ ઉદ્યાન ગઈ હતી. જ્યાંથી તે તરુણ સાથે ગામડે જવા નિકળી હતી. તરુણે એને કહ્યું હતું કે એ એની ગર્લફ્રેન્ડ સાથે તેને ભેંટ કરાવવા માંગે છે. ગામના પાદરમાં જ એનું ખૂન કરી લાશ દાટી દીધી હતી.

નાનુ એવું ગામ અને રાતનો સમય હતો એટલે કોઈ ખાસ અવરજવર ન હતી. આરામથી પોતાનું કામ પાર પાડીને એ ઘરે આવીને સુઈ ગયો હતો. એને એમ હતું કે ધનેશભાઈના ઘરથી આનંદ ઉદ્યાન ઘણો દૂર છે એટલે ત્યાં એને કોઈ ઓળખશે પણ નહીં અને દીદીને લઈને આરામથી ગામડે આવી જશે. રીમા ધનેશભાઈની એકની એક દીકરી હતી. જો એ મરી જાય તો ધનેશભાઈની મિલકતનો પોતે વારસદાર બની જાય. અને ધનેશભાઈની મિલકત એને મળી જાય તો પોતે આખી જિંદગી આરામથી પસાર કરી શકે… એટલે આ પગલું ભર્યું હતું એવું તરુણે કબૂલી લીધું.

તરુણને એ વાતનું બહુ આશ્ચર્ય થતું હતું કે એક્દમ પ્લાનીંગ સાથે કરેલા આ કામના મૂળ સુધી પોલીસ કઈ રીતે પહોંચી ગઈ! આખરે રીમાનો કાતિલ પકડાઈ ગયો. નિલુબહેન અને ધનેશભાઈએ મિતુનો આભાર માન્યો. સમાચાર પત્રમાં આખી વિગત મિતુ ના ફોટા સાથે છપાઈ. નમન અને લાલો મિતુના આ ક્લિક થી ખૂબ રાજી થયા અને કહ્યું, ‘વાહ, મિતુબેન ફોટાવાળા… જોરદાર કામ કર્યુ તમે તો…!’

દક્ષા દવે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here