સાવિત્રી….. (સત્યઘટના) – ધનસુખ ગોહેલ.

zrukho

હું જે તમને વાત કરું છું એ હશે ૧૯૫૪ ની આસપાસની.એ વખતે અમારા ગામ નાનાખોખરા,જિલ્લો ભાવનગર ની વસ્તી હશે લગભગ ૧૫૦૦ આસપાસ.

હવે ગામના ચોરાથી ગામના બે ભાગ પડે.ચોરાના પગથિયા સામેની નીચલી પાટી ને ચોરાની પાછળનો ભાગ ઉપલી પાટી કહેવાતો. ચોરાની સામે હીરાલાલ મોદીની દુકાન આવે.હીરાલાલ મોદીની દુકાનથી જમણી બાજુ થોડું ચાલો એટલે હીરાલાલ મોદીનું ઘર ને એનાથી થોડા આગળ વધો એટલે ઝાડેજીમા નું ડાબી બાજુ ઘર આવે.

ઝાડેજી માના ઘર પાસેથી જમણી બાજુ જતા નેળમાં ગોપુભાનું મકાન આવે. આ ગોપુભા ને ઝાડેજીમા ના ઘર વચ્ચે ઊંચી પડથારનું ગારાનું મકાન આવતું.આ મકાનમાં એક કોળી કુટુંબ રહેતું.

કોળી કુટુંબ ખડ વાઢવા જતું, દરબારોના ખેતરોમાં મજૂરીએ જતું ને આનંદથી રહેતું.આ કુટુંબનો મોભી જાદવભાઈ કરીને હતો. કઠણાઈ કહો કે જે કહો તે,જાદવભાઈ કોળીને કોઢ લાગુ પડ્યો.

જાદવભાઈ, જાદવભાઈના પત્ની,જાદવભાઈનો દીકરો ને જાદવભાઈની બા.આ બધાનો ભાર જાદવભાઈ પર. ધીમે ધીમે જાદવભાઈ ના હાથના ને પગ ના આંગળા ઓગળવા માંડ્યા.આખા શરીરનો કબ્જો ધીમે ધીમે કોઢે લઇ લીધો.

એ વખતમાં એવો રોગ જેમને થતો એમને જીવતા જળ સમાધિ (સમાત ) અપાતી.જેથી કરીને જેમને કોઢ નીકળ્યો હોય તેમને ને તેમના કુટુંબને જાજુ સહન કરવાનું નો આવે. જાદવભાઈને પણ કોળીયાકના દરિયામાં જળસમાધિ આપવી એવું નક્કી થયું.

આવા વખતે જાદવભાઈના પત્ની બોલ્યા કે જે થવું હોય એ થાય પણ જાદવભાઈ (મારા ઘરના માણસ) ને જળસમાધિ તો કોઈ કાળેય આપવી નથી. હું જિંદગીભર મારા ઘરવાળાની સેવા કરીશ .બે આલ્હોતીયા વધુ કરીશ.પછી તો જાદવભાઈની બા પણ વહુની તરફેણમાં આવ્યા ને જાદવભાઈને ભાવનગર,સોડવદરાના ડો.વ્યાસ વિગેરે મોટા મોટા ડોક્ટરોને દેખાડ્યું.દવા ચાલુ કરી ને જાદવભાઈએ પણ પરેજી પાળીને સાથ આપ્યો.

એકાદ વરસ દવા કરી હશે ને જાદવભાઈ બધાની મદદથી થઇ ગયા ઘોડા વાળતા. સ્ત્રી શશક્તિ કરણ તો હવે સંભળાય છે. બાકી પહેલા પણ હતું જ. મોતના મોઢામાંથી પતિને પાછો લાવતી સતી સાવિત્રીની વાત તો સાંભળી હતી.પણ જાદવભાઈના પત્ની સતી સાવિત્રીથી ક્યાં ઉતરતા હતા.આજે તો એ જાદવભાઈ.તેમના પત્ની,તેમના બા વિગેરે હાજર હશે કે કેમ? એ ખબર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here